સેલવાસ: ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે કે આજે આપણા આદિવાસી સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. “ધોડિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ” જેવા કાર્યક્રમો માત્ર મનોરંજન માટે નથી, પરંતુ નવી પેઢીને પોતાની ઓળખ, ઈતિહાસ અને પરંપરા સાથે જોડવાનો એક સશક્ત પ્રયાસ છે.

આવા કાર્યક્રમો દર વર્ષે વારલી સમાજ, ધોડિયા સમાજ, કોંકણી સમાજ તેમજ તમામ આદિવાસી સમાજોએ આયોજન કરવા જોઈએ, જેથી આપણા બાળકોને ખબર પડે કે આપણે કોણ છીએ, આપણા પૂર્વજો કોણ હતા અને આપણું ગૌરવ શું છે. પરંતુ આજે દુઃખની વાત એ છે કે લોકો ધીમે ધીમે પોતાની ભાષા, સંસ્કૃતિ અને પરંપરા ભૂલતા જાય છે.

આદિવાસી એડવોકેટ દિપક કુરાડા જણાવે છે કે કોઈ “જય સ્વામિનારાયણ”, કોઈ “જય પરમાત્મા”, કોઈ “જય એશુ”, તો કોઈ “મોક્ષ માર્ગ” કે ફલાણા ઢીંકણા તરફ દોડી રહ્યા છે. હું તમામ ધર્મોનું સન્માન કરું છું પરંતુ પોતાની આદિવાસી ઓળખ અને પરંપરા માટે કેટલા લોકો ઊભા છે? શું બીજા જાતિના લોકો આદિવાસીઓ બની રહ્યા છે  જે આદિવાસી સમાજ 20 થી 25 વર્ષ પહેલા ભૂખમરી સામે લડી રહ્યો હતો, એજ સમાજ આજે દાન અને ભક્તિમાં આગળ વધી રહ્યો છે — એ સારી વાત નથી. આપડે ભક્તિના શક્તિથી નથી પરંતુ મળેલ આરક્ષણ અને હક્ક અધિકારોથી આગડ વધ્યા છે એનું ભાણ રેવું જોઈએ અને સાથે સાથે પોતાની મૂળ ઓળખ પણ બચવી એટલી જ જરૂરી છે. આજે ઘણા એવા પરિવારો જોવા મળે છે કે વારલી બાળકોને વારલી ભાષા નથી આવડતી, ધોડિયા બાળકોને ધોડિયા બોલી નથી આવડતી અને કોંકણી સમાજના બાળકોને કોંકણી બોલતા પણ નથી આવડતું.

લોકો હવે જાતિ નહીં, પોતાની બોલી અને સંસ્કૃતિ જ ભૂલવા લાગ્યા છે. લગ્ન પ્રસંગ હોય, મરણ-ધરણ હોય કે કોઈ પણ સામાજિક કાર્ય — બધું આદિવાસી રીતરિવાજ અને પરંપરા મુજબ થવું જોઈએ. ખાલી સોશિયલ મીડિયા પર ફોટા મૂકી દેખાડો કરવાથી સમાજ નહીં બદલાય, સાચો સુધારો ત્યારે આવશે જ્યારે આપણે પોતાના ઘરમાંથી સંસ્કૃતિ જીવંત રાખીશું.ભાષા બચાવો…પરંપરા બચાવો…સંસ્કૃતિ બચાવો… કારણ કે જે સમાજ પોતાની ઓળખ ભૂલી જાય છે, એ સમાજનો ઇતિહાસ પણ ધીમે ધીમે ખોવાઈ જાય છે.

BY: એડવોકેટ દિપક કુરાડા_ સેલવાસ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here