ગાંધીનગર: ગુજરાત સરકારે આદિવાસી સમાજના આરોગ્યમાં સુધારો લાવવા અને વારસાગત જીનેટિક રોગોને જડમૂળથી સમજવા માટે એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પહેલ શરૂ કરી છે. ‘ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’ અંતર્ગત રાજ્યના આદિવાસી વિસ્તારોમાંથી અંદાજે 4,000 ડીએનએ સેમ્પલ એકત્ર કરવામાં આવશે, જેમાંથી લગભગ 2000 વ્યક્તિઓના સંપૂર્ણ જિનોમનું સિક્વેન્સિંગ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત આદિવાસી સમાજ માટે ખાસ જિનોમિક ડેટાબેઝ તૈયાર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે. આ ડેટાબેઝનો ઉપયોગ વારસાગત રોગો જેમ કે સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા અને અન્ય જીનેટિક વિકારોના વહેલા નિદાન અને નિવારણમાં મદદરૂપ થશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માત્ર આદિવાસી સમાજના આરોગ્ય સુધારણા માટે જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક અને તબીબી સંશોધન માટે પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ ડેટા પર આધારિત અભ્યાસથી રાજ્યમાં આદિવાસી વિસ્તારોમાં વ્યક્તિગત આધારિત (Personalized) દવાઓ અને નિવારક વ્યૂહરચનાઓ વિકસાવી શકાશે.

પ્રોજેક્ટના અમલીકરણ માટે અદ્યતન જીનોમિક્સ લેબોરેટરીઓ અને વિશેષજ્ઞોની ટીમ તૈનાત કરવામાં આવી છે. આદિવાસી સમુદાયના લોકોની સહમતિ અને સહભાગિતા સાથે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં તેમના અધિકારો અને ગોપનીયતાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે. આ પહેલને આદિવાસી કલ્યાણ અને આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકારની વ્યૂહાત્મક પ્રતિબદ્ધતાના રૂપમાં જોવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here