નવસારી: દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અને જંગલી વિસ્તારોમાં વર્ષોથી લોકોના આહાર અને પરંપરામાં જોડાયેલું એક નાનકડું વન્ય ફળ છે – ધામણા. આ ફળ સ્થાનિક લોકો માટે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ પોષણ અને આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે.
ધામણા એક જંગલી બેરી પ્રકારનું ફળ છે. તેનું વૃક્ષ ખૂબ જ મજબૂત અને ઊંચું હોય છે, જે સામાન્ય રીતે 25 થી 50 ફૂટ સુધી વધે છે. આ વૃક્ષનાં પાન હૃદયાકાર આકારનાં હોય છે અને ઉપરની સપાટી થોડી ખરબચડી તેમજ રુવાટાદાર હોય છે. ધામણાના ફળ કાચા હોય ત્યારે લીલા રંગના હોય છે, જે સંપૂર્ણ પાક્યા પછી આકર્ષક લાલ કે મરૂન રંગમાં ફેરવાઈ જાય છે.
સ્વાદની વાત કરીએ તો કાચા ફળમાં ખાટાશ વધુ હોય છે, જ્યારે પાક્યા પછી તેમાં ખાટા-મીઠાનો સુમેળભર્યો સ્વાદ આવે છે. સ્થાનિક લોકો તેને તાજું ખાય છે તો ક્યારેક શરબત, ચટણી કે અથાણું બનાવીને પણ આનંદ માણે છે. આ ફળ વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડન્ટ્સથી સમૃદ્ધ હોવાનું માનવામાં આવે છે. ધામણા માત્ર એક ફળ નથી, પરંતુ વન્ય સંસાધનો અને સ્થાનિક સંસ્કૃતિ વચ્ચેનો જીવંત સેતુ છે.











