નવસારી: આગામી વસ્તી ગણતરી 2026ની તૈયારી વચ્ચે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયે સ્વતંત્ર ઓળખની માંગણી કરી છે. સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ અને ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખીને વસ્તી ગણતરી ફોર્મ અને ડિજિટલ પોર્ટલમાં સુધારો કરવાની અપીલ કરી છે.
પત્રમાં ડો. પટેલે જણાવ્યું છે કે ભૂતકાળની વસ્તી ગણતરીઓમાં આદિવાસી સમુદાયની મૂળ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખને અવગણવામાં આવી છે, જેના કારણે તેમની વાસ્તવિક સંખ્યા અને અસ્તિત્વ કાગળ પર લુપ્ત થવાના આરે છે. 1961 ની વસ્તી ગણતરીમાં દેશમાં 1652 ભાષાઓ/બોલીઓ નોંધાઈ હતી, જેમાંથી મોટાભાગની જનજાતિ સમુદાય સાથે સંકળાયેલી હતી. પરંતુ 1971માં અમુક નિયમોને કારણે અનેક બોલીઓ યાદીમાંથી બહાર રહી ગઈ. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં વસતા ચૌધરી, ગામીત, ધોડિયા, વસાવા, કુકણા, વારલી, કોટવાળિયા, નાયકા અને ભીલી જેવી પ્રજાતિઓની મૂળ બોલીઓને ગણતરી વખતે માત્ર ‘ગુજરાતી’ તરીકે નોંધવામાં આવે છે, જેના કારણે તેમની વાસ્તવિક સંખ્યા શૂન્ય દર્શાવાય છે. ધાર્મિક ઓળખ અંગે પણ તેઓએ ઉલ્લેખ કર્યો કે બ્રિટિશ કાળ અને 1951ની વસ્તી ગણતરીમાં આદિવાસીઓ માટે અલગ કેટેગરી હતી, જે પછી રદ્દ કરવામાં આવી. આજે આદિવાસીઓના સાચા ધાર્મિક અને સાંસ્કૃતિક આંકડા ઉપલબ્ધ નથી.
મુખ્ય માંગણીઓ
ડો. નિરવ પટેલે કેન્દ્રના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર સમક્ષ ગુજરાત સરકાર વતી મજબૂત ભલામણ કરવા અપીલ કરી છે:
• વસ્તી ગણતરી પોર્ટલ/એપમાં માતૃભાષા ખાનામાં *“અન્ય/નવી બોલી ઉમેરો”*નો ઓપન ટેક્સ્ટ વિકલ્પ આપવો જેથી ગામીત, કુકણા, ચૌધરી, વારલી વગેરે બોલીઓ સ્પષ્ટપણે નોંધી શકાય.
• ધર્મના ખાનામાં *‘આદિવાસી’ અથવા ‘ટ્રાઇબ્સ’*નો અલગ વિકલ્પ અને પેટા-ઓપ્શન્સ આપવા.
• આદિવાસી વિસ્તારોના ગણતરીકારોને ખાસ તાલીમ આપવી.
• સ્થાનિક ભાષામાં જાગૃતિ અભિયાન ચલાવવું.
સુધારાના સંભવિત લાભો
આ સુધારાથી બંધારણીય કલમ ૩૫૦A હેઠળ સ્થાનિક બોલીઓમાં પ્રાથમિક શિક્ષણ, ટ્રાઇબલ સબ-પ્લાન હેઠળ વિશેષ ફાળવણી, સ્થાનિક વહીવટ અને રોજગારીમાં સ્થાનિકોને પ્રાધાન્ય તથા પરંપરાગત જ્ઞાન (વનસંવર્ધન, હર્બલ દવાઓ)નું સંરક્ષણ થઈ શકશે.
ડો. નિરવ પટેલે ભારપૂર્વક કહ્યું છે કે, “જો આદિવાસીઓની બોલીઓ અને ઓળખ જ નહીં બચે તો તેમનું સાહિત્ય, સંસ્કૃતિ અને વારસો પણ નષ્ટ થઈ જશે.” આ માંગણીને આદિવાસી સમાજમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેને ટૂંક સમયમાં સરકારી વિચારણામાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.











