દાદરા અને નગર હવેલી: ઉનાળાની તીવ્ર અને દઝાડતી ગરમીમાં જ્યારે આખો વિસ્તાર તાપમાનથી તપી રહ્યો હોય, ત્યારે દાદરા અને નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર દપાડામાં આવેલું એક કુદરતી દ્રશ્ય આંખોને સુકૂન અને આત્માને પરમ શાંતિ આપી રહ્યું છે. હરિયાળીથી ઘેરાયેલું અને શાંત પાણીવાળું આ સ્થળ પ્રકૃતિની અદ્ભુત કૃપાનું પ્રતીક બની રહ્યું છે.

આ વિસ્તારમાં પાણીની સપાટી પર ઝાડનું સ્પષ્ટ પ્રતિબિંબ પ્રકૃતિ અને માનવ અસ્તિત્વ વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે. જાણે પ્રકૃતિ આપણને કહેતી હોય કે – જેવું તમે મને આપશો, તેવું જ તમને પાછું મળશે. આ દ્રશ્ય માત્ર સુંદરતાનું નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણનું જીવંત પાઠ પણ છે. સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે, જ્યારે દેશના અનેક વિસ્તારોમાં સિમેન્ટના જંગલો વચ્ચે નદીઓ અને ઝરણાં સુકાઈ રહ્યાં છે, ત્યારે દપાડા જેવા વિસ્તારો હજુ પણ પ્રકૃતિની શીતળતા જાળવી રાખવામાં સફળ છે. આ સ્થળ પ્રમાણિત કરે છે કે જો માનવ જાગૃત રહે અને પ્રકૃતિનું જતન કરે તો ઉનાળાની તીવ્ર ગરમીમાં પણ જીવન સુરક્ષિત અને સુંદર રહી શકે છે.

પર્યાવરણ કાર્યકર્તાઓએ જણાવ્યું કે, “માત્ર ફોટોગ્રાફ્સ જોઈને ખુશ થવાને બદલે આપણે દરેક પાણીના ટીપાનું મૂલ્ય સમજવું જોઈએ. વધુમાં વધુ વૃક્ષો વાવવા, નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખવા અને પ્રકૃતિના સ્ત્રોતોનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. પ્રકૃતિ સુરક્ષિત રહેશે તો જ આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.” આવા કુદરતી સ્થળોને જાળવી રાખવા માટે સરકાર અને સ્થાનિક સમુદાયે મળીને વધુ કાર્યરત થવાની જરૂર છે. દપાડાનું આ દ્રશ્ય એક યાદ અપાવે છે કે પ્રકૃતિ આપણી માતા છે અને તેનું સન્માન કરવું એ જ આપણી સૌથી મોટી જવાબદારી છે.

BY: મુકેશ પટેલ 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here