અંબિકા: આદિવાસી બહુલ વિસ્તાર લસણપુર ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે અત્યાધુનિક લાઇબ્રેરીનું નિર્માણ અટકી પડ્યું છે. જમીન દાનમાં મળેલી, GETCOનું CSR ફંડ મંજૂર અને ગ્રામસભાનો ઠરાવ પણ તૈયાર હોવા છતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) કચેરીમાં ફાઇલ મહિનાઓથી પેન્ડિંગ પડી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ અંબિકા તાલુકાના લસણપુર ગામના સ્થાનિક લોકો અને આગેવાન વકીલ જયદીપ પટેલની રજૂઆતના આધારે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ તથા છાંયડો હોસ્પિટલ ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઇ પટેલે સુરત જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે ઝડપી કાર્યવાહી કરવા અરજી કરી છે.

ડો. નિરવ પટેલે જણાવ્યું કે, “શિક્ષણક્ષેત્રે જવાબદારોની આવી ઢીલી અને ઉદાસીન નીતિઓને કારણે જ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું પ્રમાણ હંમેશા નબળું રહ્યું છે. જમીન, ફંડ અને ગ્રામસભાની મંજૂરી સહિત તમામ જરૂરી પાસાઓ તૈયાર હોવા છતાં DPEO કચેરી તરફથી કોઈ વહીવટી મંજૂરી આપવામાં આવી નથી. વારંવારની રજૂઆતો છતાં માત્ર આશ્વાસનો જ મળે છે, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.” લસણપુર અને આસપાસના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને વાંચનની આદત વિકસાવવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આ લાઇબ્રેરી મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટમાં સરકારને કોઈ આર્થિક બોજ પણ નથી, કારણ કે સંપૂર્ણ ભંડોળ GETCOના CSR ફંડમાંથી આવવાનું છે.

ડો. નિરવ પટેલે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવ અને સુરત કલેક્ટરને અપીલ કરી છે કે આ ફાઇલ અટકાવવા પાછળનું કારણ તાત્કાલિક મંગાવવામાં આવે, યોગ્ય ચકાસણી કરીને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે અને જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કે હેરાનગતિના હેતુથી ફાઇલ દબાવી રાખતા હોય તો તેમની સામે તપાસ થાય. રાજ્ય સરકાર “વાંચે ગુજરાત” અભિયાન અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે આવી સ્થાનિક અવરોધોને કારણે ગામડાના આદિવાસી બાળકો મૂળભૂત સુવિધાથી વંચિત રહી જાય છે, તે સ્થિતિને ડો. પટેલે દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here