વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ‘કાચા મંડપ યોજના’ના દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 20 હજારથી વધુ ખેડૂતોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પરવળ, ટીંડોળા, કારેલા અને દૂધી જેવા વેલાવાળા શાકભાજીની સ્માર્ટ ખેતી અપનાવીને આ ખેડૂતોએ બારેમાસ મબલખ ઉત્પાદન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેમના ઉત્પાદિત શાકભાજી હવે મુંબઈના બજારો સુધી પહોંચી રહ્યા છે અને સારી આવક મળતાં પરિવારોનું જીવનધોરણ ઊંચે આવી ગયું છે.

આ યોજના હેઠળ ખેડૂતોને કાચા મંડપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે વરસાદ અને અન્ય હવામાની અસરથી પાકને રક્ષણ મળે છે. આ સાથે આધુનિક ખેતી પદ્ધતિઓ, ટપક સિંચાઈ અને સમયસર માર્ગદર્શનના કારણે ઉત્પાદનમાં વધારો થયો છે. એક સમયે મોસમી ખેતી પર આધારિત આ ખેડૂતો આજે વર્ષના બારે મહિના સતત પાક લઈ રહ્યા છે.

વલસાડ સાંસદ ધવલ પટેલે આ અંગે જણાવ્યું કે, “આ માત્ર ખેતીનો વિકાસ નથી, પરંતુ ગ્રામીણ ભારતના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો વિજય છે. ખેડૂતોની મહેનત અને સરકારની સહાયના સંયોજનથી ધરમપુર-કપરાડાના આ ધરતીપુત્રોએ પોતાની કિસ્મત જાતે બદલી નાખી છે. તેમની સફળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે.”

આ યોજનાના કારણે ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. વધેલી આવકના કારણે તેઓ શિક્ષણ, આરોગ્ય અને ઘરની સુવિધાઓમાં પણ સુધારો કરી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના સતત પ્રયાસોને કારણે આ મોડેલ હવે અન્ય વિસ્તારોમાં પણ અપનાવવાની તૈયારી ચાલી રહી છે. આ સફળતા દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન, આધુનિક તકનીક અને સરકારી સમર્થન સાથે ખેડૂતો કેવી રીતે આત્મનિર્ભર બની શકે છે. ધરમપુર-કપરાડાના આ ખેડૂતોની વાર્તા ગુજરાતના ગ્રામીણ વિકાસનું જીવંત ઉદાહરણ બની રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here