અરેઠ: અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે રાત્રીના સમયે એક બેફામ ડમ્પર ચાલકે આદિવાસી પરિવારોના ઘરોને કચડી નાખતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ઘરોમાં સૂતેલા ગરીબ આદિવાસી પરિવારના અનેક સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે.
સ્થાનિક નેતા અખિલ ચૌધરીએ ઘટનાસ્થળે મુલાકાત લઈ પીડિત પરિવારોને મળ્યા અને તેમની સ્થિતિની વ્યક્તિગત રીતે તપાસ કરી. અખિલ ચૌધરીએ જણાવ્યું કે, “રાત્રીના સમયે બેફામ ઝડપે ડમ્પર ચલાવવાના કારણે આદિવાસી ભાઈ-બહેનોના ઘરો તબાહ થઈ ગયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અમાનવીય ઘટનાની તત્કાળ તપાસ કરી દોષિત ડમ્પર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે સ્થાનિક પ્રશાસનને રજૂઆત કરવામાં આવી છે.”
ઘટનાસ્થળે જતાં જોવા મળ્યું કે ડમ્પરે કેટલાક કચ્ચા મકાનોને સીધા જ તોડી નાખ્યા હતા. પરિવારના સભ્યો ઊંઘમાં હોવાથી તેમને બચવાનો સમય પણ મળ્યો ન હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક આદિવાસી સમાજમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે દોષિત વ્યક્તિ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે અને પીડિત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય તેમજ મકાનનું પુન:નિર્માણ કરવા સરકાર તરફથી પગલાં લેવાય. અખિલ ચૌધરીએ વહીવટી તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરી છે કે પીડિતોને ન્યાય મળી શકે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.











