નવસારી: ખેરગામ તાલુકાના ગૌરી ગામે આવેલી ગ્રામ મંગલમ ટ્રસ્ટ હેઠળની આશ્રમશાળામાં આંબાની કેરીઓ ચોરી કરવાના આરોપમાં નિવૃત્ત આચાર્ય ગોકુળભાઈ મેરજીભાઈ પટેલ અને તેમની પત્ની તથા વર્તમાન આચાર્ય લતાબેન ગોકુળભાઈ પટેલ સામે ટ્રસ્ટ તરફથી ગંભીર ફરિયાદ કરવામાં આવી છે.
ગ્રામ મંગલમ ટ્રસ્ટના સંસ્થાપક અને અરજદાર બિપીનભાઈ બહાદુરભાઈ ગરાસિયાએ જણાવ્યું છે કે તા. 08 મે 2026ના રોજ આશ્રમશાળાની પરિસરમાં આવેલી આંબા કલમો પરથી કોઈની પરવાનગી વગર કેરીઓ ઉતારી લઈ જવામાં આવી હતી. આ ઘટનામાં નિવૃત્ત આચાર્ય ગોકુળભાઈ પટેલ, તેમની પત્ની લતાબેન અને અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાનો આરોપ છે. આ ઘટનાના ફોટા અને વીડિયો પુરાવા તેમની પાસે હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
બિપીનભાઈએ આક્ષેપ કર્યો છે કે નિવૃત્તિ પછી પણ ગોકુળભાઈ પટેલ સંસ્થાના કાર્યોમાં અનધિકૃત દખલ કરી રહ્યા છે. તેમની પત્ની લતાબેન વર્તમાન આચાર્ય તરીકે ફરજ બજાવે છે, પરંતુ ટ્રસ્ટના નિયમોનું પાલન કરતા નથી. વર્ષોથી આવી મનમાની ચાલતી આવી છે અને અગાઉ પણ કેરીઓ ઉતારી લેવાની ઘટનાઓ બની છે. અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ગોકુળભાઈ પટેલનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ છે અને તેઓ જેલમાં જઈ આવેલ છે. તેઓ પોતેને પોલીસ સાથે મજબૂત સંબંધો હોવાનું કહીને લોકોને ડરાવે છે, જેના કારણે અનેક લોકો તેમની વિરુદ્ધ ફરિયાદ કરવાથી હજુ સુધી ડરતા હતા.
તા. 13 મે 2026ના રોજ ખેરગામ પોલીસ સ્ટેશને નિવેદન આપવા ગયા હતા, પરંતુ પોલીસે આ ઘટનાને સિવિલ મેટર ગણીને ફરિયાદ નોંધવાની ના પાડી હતી. આથી અરજદારે હવે પોસ્ટ મારફતે લેખિત રજૂઆત કરી છે. બિપીનભાઈ ગરાસિયાએ વિનંતી કરી છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તેમણે એ પણ જણાવ્યું છે કે જો તેમને કે તેમના પરિવારને કોઈ નુકસાન થશે તો તેની જવાબદારી ગોકુળભાઈ પટેલ અને તેમના પરિવાર પર રહેશે.
આશ્રમશાળા આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપવાનું કાર્ય 1985થી કરી રહી છે. આવી શૈક્ષણિક સંસ્થામાં ચોરી અને અનધિકૃત દખલની ઘટનાઓથી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું હોવાનું અરજદારે કહ્યું છે. આ મામલે સ્થાનિક પોલીસ તંત્ર તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી.











