વ્યારા: વ્યારા તાલુકામાં એક ખેડૂતે પરંપરાગત ખેતી સાથે આરોગ્યપ્રદ ઉત્પાદનનો અનોખો પ્રયોગ કરીને ખેડૂતો માટે નવો માર્ગ ખોલ્યો છે. વિટામિન-સીથી ભરપૂર ‘પપનસ’ (પોમેલો) ફળમાંથી સ્વાદિષ્ટ અને પોષ્ટિક અથાણું તૈયાર કરવાની પહેલ કરીને અતુલભાઈએ સ્થાનિક કક્ષાએ ખ્યાતિ મેળવી છે.

મોટા લીંબુ જેવા દેખાતા અને ઘણી વખત ‘સ્વાદિષ્ટ લીંબુ’ તરીકે ઓળખાતા પપનસ ફળમાં વિટામિન-સીનું પુષ્કળ પ્રમાણ હોય છે. આ ફળ રોગપ્રતિકારક શક્તિ વધારવા, ત્વચા તંદુરસ્ત રાખવા અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. અતુલભાઈ જણાવે છે કે, “પપનસ એક એવું ફળ છે જે સ્વાસ્થ્ય માટે અમૂલ્ય છે, પરંતુ ઘણા લોકો તેને યોગ્ય રીતે વાપરતા નથી. અમે ખાસ પદ્ધતિથી તેનું અથાણું તૈયાર કરીએ છીએ, જેનો સ્વાદ અનોખો છે અને તે લાંબા સમય સુધી ટકે છે.”

આ અથાણું તૈયાર કરવામાં કોઈ રાસાયણિક સંરક્ષકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંપરાગત મસાલા અને કુદરતી પદ્ધતિઓ અપનાવીને તેને બનાવવામાં આવે છે. સ્થાનિક બજારમાં આ અથાણાની માંગ વધી રહી છે. આરોગ્યપ્રેમીઓ અને પરંપરાગત ખોરાકને પસંદ કરનારા લોકો આ તરફ આકર્ષાઈ રહ્યા છે.

અતુલભાઈના જણાવ્યા મુજબ, પપનસનું વૃક્ષ ઓછી જાળવણીમાં સારું ઉત્પાદન આપે છે અને તે વિવિધ પ્રકારના માટીમાં સરળતાથી ઉગી શકે છે. આ પહેલથી ના માત્ર આર્થિક લાભ થઈ રહ્યો છે, પરંતુ સ્થાનિક લોકોને આરોગ્યપ્રદ વિકલ્પ પણ મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના અધિકારીઓએ પણ આ પ્રયાસની પ્રશંસા કરી છે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here