રિચર્ચ રીપોર્ટ: આપણા ભારતને કૃષિપ્રધાન દેશ માનવામાં આવે છે. પરંતુ આ કૃષિપ્રધાન દેશમાં જ દરરોજ 28 ખેડૂત કે ખેતમજૂરે આપઘાત કરીને મોતની સોડ તાણવી પડે છે! એનસીઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટના આંકડામાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં વર્ષ 2024માં 4633 ખેડૂતો તથા 5913 ખેતમજૂરો મળીને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા કુલ 10,546 લોકોએ આપઘાત કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પણ દાવો કર્યો છે કે રાજ્યમાં ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે અને ખેતમજૂરોની સંખ્યામાં મોટો વધારો થયો છે.
ખેડૂત આત્મહત્યાનું ઊંચું પ્રમાણ ક્યાં છે: વર્ષ 2001માં ગુજરાતમાં 51.61 લાખ ખેતમજૂરો નોંધાયા હતા, જે વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર વધીને 68.39 લાખે પહોંચી ગયા છે. ગુજરાતમાં એક વર્ષમાં 381 ખેડૂતોએ આપઘાત કર્યો હતો, જેમાં અડધાથી વધુ કેસ સૌરાષ્ટ્ર વિસ્તારના છે. વાતાવરણને કારણે પાક નુકસાની અને સહાયમાં વિલંબને લીધે ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાઈને આ અંતિમ પગલું ભરે છે.











