વાલિયા: ગતરોજ વાલિયા તાલુકામાં પાંચ વર્ષની નિર્દોષ બાળકી સાથે થયેલી અત્યંત ઘૃણાસ્પદ અને હૃદયવિદારક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લહેર ફેલાવી છે. આ ઘટનાથી સ્થાનિક વહીવટી તંત્ર તેમજ આદિવાસી સમાજના ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ પોલીસે આરોપીને ઝડપી લઈ તેની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સામાજિક આગેવાનો અને સ્થાનિક લોકો પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. તેઓએ બાળકીના પરિવારને દિલાસો આપ્યો અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

બાળકીના પિતાએ આગેવાનો સમક્ષ તાત્કાલિક ફાસીની સજાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, “મારી નાની દીકરી સાથે જે થયું છે તે અમાનુષી છે. આવા રાક્ષસને કોઈ માફી ન મળવી જોઈએ. અમે તાત્કાલિક ફાસીની સજા જોઈએ છીએ જેથી આવા અપરાધોનું પુનરાવર્તન ન થાય.”

પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એક વાર બાળકીઓની સુરક્ષા અને સમાજમાં વ્યાપેલા અપરાધી તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય પગલાંની માંગને વેગ આપ્યો છે. વિસ્તારના લોકો આરોપીને નમૂનેસર સજા થાય તેવી અપેક્ષા રાખી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here