કોસંબા-ઉમરપાડા: કોસંબા જંક્શનથી માંગરોળ (જૂના) તાલુકામાં આવેલી ઐતિહાસિક 69-70 કિલોમીટર લાંબી નેરોગેજ રેલ્વે લાઈનનું એક મહત્વનું સ્થળ વાંકલ રેલ્વે સ્ટેશન હવે અંતિમ દર્શન આપી રહ્યું છે. ગાયકવાડ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નેરોગેજ લાઈનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવાના કાર્યને વેગ મળ્યો છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે 467.58 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ નાણાકીય મદદથી નેરોગેજને બ્રોડ ગેજમાં બદલવાનું કામ ઝડપથી આગળ વધશે. વાંકલ સ્ટેશન સહિત આખી લાઈન પર હાલમાં નેરોગેજ ટ્રેનો ચાલતી હતી, પરંતુ રૂપાંતરણ પછી આ દૃશ્યો ઇતિહાસ બની જશે.

આદિવાસી સમાજના આગેવાન અરૂણ ચૌધરી FB પોસ્ટમાં લખે છે, “આ પ્રોજેક્ટ માત્ર કોસંબા-ઉમરપાડા સુધી જ મર્યાદિત નહીં રહે. ભવિષ્યમાં આ રેલ્વે લાઈનને ઉમરપાડાથી નંદુરબાર સુધી વિસ્તારવામાં આવશે. આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આ ખૂબ જ મહત્વનું પગલું છે.”

સૂત્રો અનુસાર, 2028 માં આ બ્રોડ ગેજ લાઈન પર ટ્રેનો દોડતી થઈ શકે તેવી સંભાવના છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આ વિસ્તારના લોકોને વધુ સારી કનેક્ટિવિટી, વેપાર-વાણિજ્ય અને પર્યટનની તકો મળશે. સ્થાનિક લોકો અને રેલ્વે પ્રેમીઓ હાલ આ નેરોગેજ લાઈન અને વાંકલ સ્ટેશનના છેલ્લા દિવસોના દર્શન કરી રહ્યા છે. આ ઐતિહાસિક રેલ્વે લાઈનનું બ્રોડ ગેજમાં રૂપાંતરણ આ વિસ્તાર માટે નવા વિકાસની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here