પોલીસે સાબિત કર્યું કે અમે દલાલ છીએ ! વિપક્ષના ધારાસભ્યએ પોલીસને ‘દલાલ’ કહ્યા એથી ગુજરાત IPS એસોસિએશનને એટલું માઠું લાગી ગયું કે ધારાસભ્યની સામે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી કે આની સામે તાત્કાલિક પગલાં લો !

પરંતુ ભયંકર દલાલીનો પુરાવો ખુદ પોલીસે જ આપ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની એકમાત્ર તાલુકા પંચાયત કોડીનારમાં આવી છે. 24 સભ્યોમાંથી કોંગ્રેસના 13 સભ્યો ચૂંટાયા છે 2 મે 2026ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના 13 સભ્યો પરિવાર સાથે દ્વારકા દર્શન કરવા ગયા હતા. તેઓ ત્યાં એક હોટલમાં રોકાયા હતા, ત્યારે મોડી રાત્રે દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના વોરંટ કે ગુનાની જાણકારી આપ્યા વગર આખી હોટલને ઘેરી લેવામાં આવી હતી. પોલીસે મર્યાદા ઓળંગીને મોડી રાત્રે મહિલા સદસ્યોના રૂમોમાં પ્રવેશ કર્યો હતો અને નાના બાળકો તથા પરિવારના સભ્યોની હાજરીમાં જ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બળજબરીપૂર્વક પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જાણે કોઈ ગંભીર ગુનેગારો હોય તે રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું અને આખી રાત તેમને ગેરકાયદેસર અટકાયતમાં રાખી માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ ઘટના માત્ર રાજકીય નથી, પરંતુ સામાજિક રીતે પણ આક્રોશ જન્માવે તેવી છે. આ આખી પ્રક્રિયામાં કારડિયા રાજપૂત સમાજના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ મનોજભાઈ મોરીની પણ કોઈ પણ ઠોસ કારણ વગર અટકાયત કરવામાં આવી છે. તેમને દ્વારકાથી કોડીનાર લાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સરકાર કોઈપણ રીતે વિરોધ પક્ષના મનોબળને તોડવા માંગે છે. પોલીસ ભાજપના સ્થાનિક નેતાઓના ઈશારે દલાલની ભૂમિકા ભજવી રહી છે, તેનાથી સમગ્ર પોલીસ વિભાગની છબી ખરડાઈ છે. મનોજભાઈ મોરીના પત્ની દક્ષાબહેને એક વીડિયોમાં કહ્યું છે કે ‘મારા પતિનો સંપર્ક થતો નથી, ફોન લાગતો નથી. પૂર્વ સાંસદ દિનુ બોઘાએ મારા પતિનું અપહરણ કરાવ્યું છે.’

કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સતત જિલ્લા પોલીસ વડાને ફોન કરે છે પણ જિલ્લા પોલીસ વડા ફોન ઉપાડતા નથી ! આ બાબત સાબિત કરે છે કે આ ઓપરેશન પૂર્વ આયોજિત હતું. લોકશાહીમાં જ્યારે જનતા પોતાનો મત આપીને કોઈને ચૂંટે છે, ત્યારે તેની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની હોય છે, પરંતુ અહીં તો રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

​આખી રાત સુધી આ 13 ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓના પરિવારજનો ભયંકર ટેન્શનમાં રહ્યા. ​ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું અપહરણ કરીને ખેલ પાડવા પોલીસ મારફતે ઓપરેશન! કોડીનારના નાગરિકોએ પરિવર્તન માટે મતદાન કર્યું છે, પરંતુ ભાજપ સરકાર ‘સામ, દામ, દંડ અને ભેદ’ની નીતિ અપનાવીને લોકોના ચુકાદાને બદલવા માંગે છે. ચૂંટાયેલા સભ્યોનું અપહરણ કરવું, તેમને ડરાવવા-ધમકાવવા અને પોલીસ દ્વારા કનડગત કરવી એ લોકશાહીના મૂલ્યોની હત્યા સમાન છે.

પોલીસે સાબિત કર્યું કે અમે દલાલ છીએ ! ​પોલીસની આ દાદાગીરી, હિટલરશાહી અને દમન દલાલી કહી શકાય કે નહીં ? શું પોલીસ/સત્તાપક્ષ કાયદાથી ઉપર છે ?

BY: રમેશ સવાણી [3 મે 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here