નવસારી: ખેરગામના હુમલાના વિવાદમાં ધારાસભ્ય અનંત પટેલ અને નેતાઓ નવસારી કોર્ટમાં હાજર થયા પણ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી 25 મે સુધી ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આવનાર સમયમાં કેસ આગળ ચલાવવો કે કેમ તેનો નિર્ણય કરવામાં આવવાનું વિચારાધીન છે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને બીજા કોંગ્રેસી નેતાઓ સામે નોંધાયેલા ગુનાઓના મામલે ગતરોજ નવસારી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ, કોર્ટે બન્ને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા બાદ આ કેસનો ચૂકાદો આગામી 25 મે, 2026 સુધી અનામત રાખ્યો છે.
આ હુમલા કેસમાં પોલીસે અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને ખેરગામના સરપંચ ઝરણા પટેલ સહિતના નેતાઓ સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ જેવી કલમો હેઠળ ગુના નોંધાયા છે ત્યારે ગતરોજ બચાવ પક્ષના વકીલ પરેશ વાટવેચાએ રજૂઆત કરી કે આ કેસ રાજકીય રીતે પ્રેરિત છે અને આરોપીઓ સામે પૂરતા પુરાવા નથી, તેથી તેઓને “બિનતોહમત’ (ડિસ્ચાર્જ) છોડી મૂકવામાં આવે. 25મીએ આવનાર કોર્ટના નિર્ણય પર સૌની નજર રેહશે.
સરકારી પક્ષ તરફે સ્પેશિયલ પીપી નયન સુખડવાળાએ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, હિંસામાં આરોપીઓની સક્રિય ભૂમિકા હોવાના પુરાવા છે, તેથી કેસની ટ્રાયલ ચલાવવી અનિવાર્ય છે.હવે સૌની નજર 25 મે પર ટકેલી છે, જ્યારે કોર્ટ નક્કી કરશે કે આ નેતાઓ સામે ટ્રાયલ ચાલશે કે તેમને આરોપમાંથી મુક્તિ મળશે.











