ગુજરાત: ભારતીય લોકતંત્રમાં મતદારોને કોઈપણ ઉમેદવાર પસંદ ન હોય તો ‘નન ઓફ ધ એબવ’ (નોટા)નો વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ જો વિરોધ પક્ષ અથવા અપક્ષ ઉમેદવારો ઉમેદવારી ન નોંધાવે અથવા પાછી ખેંચી લે અને માત્ર બિન હરીફ ઉમેદવાર બને તો જનતા પાસે વિકલ્પ શું ? શું એક જ પક્ષના ઉમેદવારને બિનહરીફ જાહેર કરીને જનતાના મત આપવાના અધિકારને છીનવી લેવામાં આવે છે ? આ સવાલ આજે ચૂંટણી વ્યવસ્થા પર ગંભીર વિવાદ સર્જી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસી વતી દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL)માં આ મુદ્દો સીધો ઉઠાવવામાં આવ્યો છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, 1951ની કલમ 53(2) અને કંડક્ટ ઓફ ઈલેક્શન રૂલ્સ, 1961ના નિયમ 11 મુજબ જો એક જ ઉમેદવાર બાકી રહે તો તેને સીધો જ વિજેતા જાહેર કરવામાં આવે છે. આ કારણે મતદાન થતું નથી અને નોટા વિકલ્પ પણ ઉપલબ્ધ થતો નથી. આ વ્યવસ્થા મતદારોના મૌલિક અધિકારને નુકસાન પહોંચાડે છે.
૨૦૧૩માં સુપ્રીમ કોર્ટના PUCL વિ. યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં નોટા વિકલ્પ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી મતદારોને કોઈપણ ઉમેદવાર ન પસંદ હોય તો તેમને વિરોધ દર્શાવવાનો વિકલ્પ મળે છે. પરંતુ અપ્રતિસ્પર્ધી (અનકોન્ટેસ્ટેડ) ચૂંટણીમાં આ વિકલ્પ લાગુ પડતો નથી. પરિણામે જો જનતાને એકમાત્ર ઉમેદવાર પસંદ ન હોય તો પણ તેને વિરોધ કરવાનો કોઈ માધ્યમ રહેતો નથી. આને કારણે એક પક્ષના ઉમેદવારને ‘જબરદસ્તી’ જનતાના માથે થોપી દેવામાં આવે છે.
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે અપ્રતિસ્પર્ધી ચૂંટણીઓ ખૂબ જ દુર્લભ છે. 1971થી અત્યાર સુધીમાં લોકસભાની માત્ર 6 ચૂંટણીઓમાં આવું બન્યું છે અને 1952થી અત્યાર સુધીમાં કુલ નવ કેસ જ છે. પંચનું કહેવું છે કે નોટાને ફરજિયાત બનાવવા માટે કાયદામાં સુધારો જરૂરી છે અને તેનાથી વ્યવહારિક સમસ્યાઓ ઊભી થશે. જો નોટા વધુ મત મેળવે તો શું થશે? આવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે.
મતદારો આ વ્યવસ્થા લોકતંત્રના મૂળ સિદ્ધાંતને જ નુકસાન પહોંચાડે છે. જો નોટા સામે જીત મેળવ્યા વિના કોઈ ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે તો તેને ‘ખરી જીત’ ગણવી જોઈએ કે નહીં? આ મુદ્દે જનતા અને કાનૂની વિદ્વાનો વચ્ચે ચર્ચા જોર પકડી રહી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સ્થાનિક ચૂંટણીઓમાં પણ આવા કેસ જોવા મળ્યા છે, જેમાં મતદારોને વિકલ્પ વિના જ મત આપવાનું રહે છે.
સુપ્રીમ કોર્ટ હાલમાં આ PIL પર સુનાવણી કરી રહ્યું છે. જો કોર્ટ તરફથી કોઈ નિર્ણય આવે અથવા સરકાર કાયદામાં સુધારો કરે તો તે ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં ઐતિહાસિક ફેરફાર સાબિત થઈ શકે છે. જનતાના મતાધિકારને સંપૂર્ણ રીતે સુરક્ષિત કરવા માટે ચૂંટણી પંચે આ મુદ્દે વિચારવું જરૂરી છે – કારણ કે લોકતંત્રમાં મતદાર જ સર્વોપરી છે.











