ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી અને રાજપુર તલાટ ગામના આશરે ૯૬થી વધુ ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ત્રણ વર્ષ પહેલા ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન લેવા માટે વળતર આપવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ આજદિન સુધી એક પણ ખેડૂતને એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી.

ખેડૂતોના જણાવ્યા મુજબ, ત્રણ વર્ષ પહેલા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ ખેડૂતોને વળતર ચૂકવવાના નામે દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા. ખેડૂતોએ પોતાના ખેતરમાંથી પાઇપલાઇન લેવા માટે સંમતિ આપી હતી અને કહ્યું હતું કે “વળતર મળશે તો વાંધો નહીં”. ત્યારબાદ વિભાગે પાઇપલાઇન નાખી લીધી હતી. પરંતુ ત્યારથી અત્યાર સુધી કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી. ગતરોજ ખેડૂતોએ કાર્યપાલક ઇજનેર, પાણી પુરવઠા વિભાગ, ધરમપુરને મળીને આ મુદ્દે રજૂઆત કરી હતી.

ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું કે “તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે અથવા પાઇપલાઇન ખોદીને કાઢી લઈ જવામાં આવે”.
આ દરમિયાન હાજર અધિકારીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે “વહેલી તકે ખેડૂતોનું નિરાકરણ કરવામાં આવશે”.

ખેડૂતોના પ્રતિનિધિ કલ્પેશ પટેલે જણાવ્યું કે, “ખેડૂતોએ પોતાનું કામ છોડીને દસ્તાવેજો તૈયાર કર્યા હતા. ત્રણ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ પગલું લેવામાં આવ્યું નથી. અમારી માંગ છે કે તાત્કાલિક અસરથી વળતર ચૂકવવામાં આવે અથવા પાઇપલાઇન ફરીથી કાઢી લેવામાં આવે.” આ મુદ્દે ખેડૂતો વધુ આંદોલન કરવાની તૈયારીમાં છે. વહીવટી તંત્ર તરફથી તાત્કાલિક કાર્યવાહી થાય તેવી અપેક્ષા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here