રીસર્ચ રીપોર્ટ: પોલીસ જ ઈચ્છતી નથી કે પોલીસતંત્ર જવાબદાર બને ! ગુજરાત સરકારની 14449 ટોલ-ફ્રી હેલ્પલાઇન છે. જેનો ઉપયોગ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદો-ગેરવર્તણૂક, હેરાનગતિ, લાંચ, દુર્વ્યવહાર વગેરે નોંધાવવા માટે થાય છે. કોઈપણ રેન્કના પોલીસ અધિકારી/કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરી શકાય છે.
આ હેલ્પલાઈન જાન્યુઆરી 2024માં શરૂ થઈ. ગુજરાત સરકારે 12 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટને જાણ કરી કે આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી રહી છે. થોડા દિવસમાં જ તે પૂર્ણપણે ઓપરેશનલ થઈ ગઈ અને ફેબ્રુઆરી 2024થી સક્રિય છે. આ હેલ્પલાઈન, ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી શરૂ કરવામાં આવી છે, સરકારને જરુર લાગી ન હતી!
પોલીસ દ્વારા હેરાનગતિ, લાંચ-ઉઘરાણી અને દુર્વ્યવહારના અનેક કિસ્સાઓ સામે આવતા હતા. થાઇલેન્ડથી આવતા યુગલ પાસેથી ₹60,000ના તોડ અંગે હાઈકોર્ટે સરકારને કડક આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે પોલીસ કમ્પ્લેઇન્ટ ઓથોરિટીને અસરકારક બનાવવા અને નાગરિકોને સરળ રીતે ફરિયાદ કરવાની સુવિધા આપવાની સૂચના આપી. આ હેલ્પલાઇન નાગરિકોને તાત્કાલિક અને સરળ રીતે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે બનાવવામાં આવી છે.
GSPCA-ગુજરાત રાજ્ય પોલીસ કમ્પ્લેઈન્ટ ઓથોરિટી છે તો 14449 કેમ? GSPCA 2007ના બોમ્બે પોલીસ અમેન્ડમેન્ટ એક્ટ હેઠળ છે. તે પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગંભીર ગેરવર્તણૂકની ફરિયાદો જુએ છે અને તે વધુ ઔપચારિક/સંસ્થાકીય પ્રક્રિયા છે. જ્યારે 14449 હેલ્પલાઇન તેનાથી અલગ અને વધારાની સુવિધા છે. કોઈપણ રેન્કના પોલીસ સામે સીધી ફરિયાદ કરી શકાય છે. ટોલ-ફ્રી અને સરળ છે. હાઈકોર્ટના આદેશ પછી નાગરિકોને તાત્કાલિક રાહત આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ બંને સિસ્ટમ એકબીજાની પૂરક છે.
શું સમસ્યાનો ઉકેલ આવ્યો ? ના પોલીસનું ગેરવર્તન/તોડબાજી અટકી નથી. પોલીસ તો ટાઈગર બામથી પેટ્રોલ સુધી પહોંચી ગઈ છે !
આ બાબતે BBC ગુજરાતીના પત્રકાર અર્જુન પરમાર સાથે 3 એપ્રિલ 2026ના રોજ ફોન પર વાતચીત થઈ હતી.
થોડા મુદ્દાઓ:
[1] પત્રકાર અર્જુન પરમારે RTI હેઠળ માહિતી માગી કે “17 નવેમ્બર 2025ના રોજ ટોલફ્રીનંબર 14449 પર પોલીસ વિરુદ્ધ કેટલી ફરિયાદ મળી? તે અંગે કેટલી FIR નોંધાઈ?” તેનો જવાબ 8 ડિસેમ્બર 2025ના રોજ કાયદો-વ્યવસ્થા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, એમ. એચ. વાઘેલાએ આપ્યો કે “12 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરી!” પણ શું કાર્યવાહી કરી, શું સજા કરી તેની માહિતી ન આપી.
[2] સ્ટેટ કંટ્રોલ રુમના નાયબ પોલીસ અધિક્ષક ડી. પી. ચુડાસમાએ 2 ડિસેમ્બર 2025ના રોજ જવાબ આપ્યો કે “હેલ્પલાઈન 14449માં કુલ ફોન 51,954 મળ્યા. (12 જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025, 23 મહિનામાં) તેમાં પોલીસ સામે 1,895 ફરિયાદો મળી. જે પગલાં લેવા ડિસ્ટ્રિક્ટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરિટીને મોકલી. જેમાં કોઈની સામે FIR નોંધાઈ નથી. હેલ્પલાઈનના પ્રચાર માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.”
[3] પોલીસ ‘ગુનાનું બર્કિંગ’ કરે છે, ‘ગુનાનું મિનિમાઈઝેશન’ કરે છે. તો પોલીસ સામેની ફરિયાદોનું બર્કિંગ ન કરે? 23 મહિનામાં, હેલ્પલાઈન પર 51,954 કોલ મળે, તેમાં 1,895 ફરિયાદો નોંધાય અને માત્ર 12 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય કાર્યવાહી થાય; એ સૂચવે છે કે હાઈકોર્ટ ભલે હેલ્પલાઈન શરુ કરાવે સરકારને/ ગૃહવિભાગને/ રાજ્યના પોલીસ વડાને નાગરિકોની સહેજ પણ ચિંતા નથી. ગુનાનું બર્કિંગ ન કરવા ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-3, નિયમ-124(4)માં ઠરાવેલ છે.
[4] આ 23 મહિના દરમિયાન, આખા રાજ્યમાં ‘ગુજરાત પોલીસ મેન્યુઅલ’ મુજબ સુપરવાઈઝરી પોલીસ અધિકારીઓએ (એટલે કે DySP/ SP/ DCP/ પોલીસ કમિશનર/ રેન્જ IGPએ) કેટલી ‘બોગસ ફરિયાદો’ પોતાના તાબાના પોલીસ સ્ટેશનમાં મોકલી? કદાચ, એક પણ નહીં! જો સુપરવાઈઝરી અધિકારીઓ જ પોલીસ મેન્યુઅલની જોગવાઈનું પાલન ન કરે તો પોલીસ તંત્ર જવાબદાર બને ખરું?
[5] ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-3, નિયમ-220/ 221માં વિગતવાર જોગવાઈ કરી છે કે પોલીસ સામે ફરિયાદ થાય ત્યારે શું કાર્યવાહી કરવાની છે? પરંતુ તે મુજબ કાર્યવાહી થતી નથી. વળી ગુજરાત પોલીસ મેન્યુઅલ, ભાગ-353/ 354માં પોલીસનું લોકો પ્રત્યે કેવું વર્તન હોવું જોઈએ, તેના નિયમો છે. પોલીસનું ધારાસભ્યો/ સંસદસભ્યો પ્રત્યે કેવું વર્તન હોવું જોઇએ તે નિયમ-355/ 357માં દર્શાવેલ છે. પોલીસનું શાળાના શિક્ષકો પ્રત્યે કેવું વર્તન હોવું જોઈએ તે નિયમ-360માં જણાવ્યું છે. લોકોની ફરિયાદો પ્રત્યે ત્વરિત ધ્યાન આપવા અંગે નિયમ-368માં ઠરાવેલ છે.
[6] દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ, પોલીસ કમેમોરેશન ડે/ પોલીસ શહીદ સ્મૃતિ દિવસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા/ ઈન્ડિયન એક્સપ્રેસ અખબારમાં પોલીસની વાહવાહીની જાહેરાત અપાય છે. ‘સુરક્ષાસેતુ’ની ગ્રાન્ટમાંથી ખર્ચ કરાય છે. પરંતુ હેલ્પલાઈનની જાગૃતિ માટે ખર્ચ કરાતો નથી. પોલીસના સિનિયર અધિકારીઓમાં જ ઈચ્છાશક્તિનો અભાવ છે.
[7] પોલીસ હેરાનગતિ, લાંચ, અત્યાચાર, કસ્ટડીમાં મૃત્યુ/ યાતના, અન્યાયી અટકાયત અથવા રાજકીય દબાણ હેઠળ કામ કરે તો સરકારે શું કરવું જોઈએ? સુપ્રીમ કોર્ટના Prakash Singh vs Union of India (2006)ના નિર્દેશો, નેશનલ પોલીસ કમિશનની ભલામણોનો અમલ કરવો પડે. પોલીસને ‘સર્વિસ’માં પરિવર્તિત કરવી પડે. સત્તાપક્ષના ધારાસભ્યોની ભલામણથી PIની નિમણૂક થાય છે તે પ્રથા બંધ કરવી પડે. રાજકીય દખલગીરી રોકવી જોઈએ. ‘પોલીસ એસ્ટેબ્લિશમેન્ટ બોર્ડ’ની રચના કરવી. ટ્રાન્સફર-પોસ્ટિંગમાં રાજકીય હસ્તક્ષેપ રોકવો. રાજ્ય અને જિલ્લા સ્તરે સ્વતંત્ર પોલીસ કમ્પ્લેઇન્ટ્સ ઓથોરિટીની રચના કરવી.તેમાં નિવૃત જજ તથા સિવિલ સોસાયટીના સભ્યો હોવા જોઈએ. સત્તાપક્ષના હોદ્દેદારો નહીં. કસ્ટડીમાં મૃત્યુ, યાતના, રેપ વગેરેની તપાસ માટે સ્વતંત્ર તપાસકર્તાઓનું જૂથ હોવું જોઈએ. પોલીસ કમ્પ્લેઇન્ટ્સ ઓથોરિટીની ભલામણોનો અમલ અનિવાર્ય બનાવવો. નવો મોડલ પોલીસ એક્ટનો અમલ કરવો, જેમાં માનવ અધિકાર, પારદર્શિતા અને જવાબદારી પર ભાર હોવો જોઈએ. બોડી કેમેરા તથા પોલીસ સ્ટેશન અને વાહનોમાં CCTV ફરજિયાત હોવા જોઈએ. પોલીસ તાલીમમાં સંવેદનશીલતા પર ભાર મૂકવો. ફરજના નિયત કલાકો, વેલ્ફેર બોર્ડ, અકસ્માત વીમાની સુવિધાઓ કરવી. પારદર્શક ભરતી અને પ્રમોશન. ચાપલૂસી આધારિત નહીં પણ પર્ફોર્મન્સ આધારિત મૂલ્યાંકન જોઈએ.
નાગરિકોએ શું કરવું જોઈએ?પોલીસના ગેરવર્તન અંગે ફરિયાદ કરો.
હેલ્પલાઈન 14449 પર ડાયલ કરો. તેનો આધાર રાખો. ‘પોલીસ કમ્પ્લેઇન્ટ્સ ઓથોરિટી’ (રાજ્ય/ જિલ્લા)માં લેખિત ફરિયાદ કરો. SP-પોલીસ કમિશનરને/ DGPને ફરિયાદ કરો. રાજ્ય અને નેશનલ હ્યુમન રાઈટસ્ કમિશનને ફરિયાદ કરો. મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરો.પુરાવા એકત્ર કરો; વાતચીત રેકોર્ડ કરો. મેડિકલ રિપોર્ટ/ ફોટાઓ રાખો. મોબાઇલમાંથી પોલીસ ડેટા ડીલીટ કરે તે પહેલાં ટ્રાન્સફર કરો. RTI દ્વારા માહિતી-પુરાવા મેળવો. દર વર્ષે કેટલી ફરિયાદ મળી? કેટલી FIR નોંધાઈ? કેટલા કેસમાં ખાતાકીય કાર્યવાહી થઈ? શું ખાતાકીય સજા થઈ? તેની સમીક્ષા કરો અને સરકારના કાન પકડો. સામૂહિક અવાજ ઊઠાવો. NGO, મીડિયા અથવા સિવિલ સોસાયટી સાથે જોડાઓ. વિશ્વાસુ વકીલ મારફતે હાઈકોર્ટમાં writ petition (Article 226) દાખલ કરો. પોલીસ સાથે સીધો સંઘર્ષ ટાળો. તેમની પાસે સત્તા છે. ફરજમાં અવરોધ સબબ પગલાં લેશે. નાગરિકોની સક્રિયતાથી પોલીસના ગેરવર્તનની માત્રા ઓછી કરી શકાય.
BY: રમેશ સવાણી











