આહવા: ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલી સ્વરાજ આશ્રમશાળામાં 15 વર્ષીય આદિવાસી સગીરા પર થયેલા દુષ્કર્મના ગંભીર કેસમાં તપાસે વેગ પકડયો છે. આ કેસના મુખ્ય આરોપી પ્રફુલ નાયક અને સહ-આરોપી તરીકે ઝડપાયેલી રસોઈણ સોનલબેન દીપકભાઈ પવારને આહવા સેશન્સ કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ગુનાની મૂળ સુધી પહોંચવા, ઘટનાની સમગ્ર કડી ખોલવા તેમજ અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તે અંગે ઊંડાણપૂર્વક તપાસ માટે રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટએ મંજૂરી આપી છે.
આ ગંભીર ઘટનાને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરી આશ્રમ સંચાલિત કન્યા છાત્રાલયની માન્યતા રદ કરી દીધી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ છાત્રાલયમાં રહેતી અંદાજે 70 જેટલી વિદ્યાર્થિનીઓને તાત્કાલિક અન્ય સુરક્ષિત સરકારી છાત્રાલયોમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેથી વિધાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય. સાથે જ પીડિત સગીરાને એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ મંજૂર રૂ.5 લાખની સહાયમાંથી રૂ.2.50 લાખની નાખની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીની સહાય પ્રક્રિયા હેઠળ રહેશે.
લોકો દ્વારા દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી હતી ત્યારે પોલીસે પણ જણાવ્યું છે કે રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછપરછ કરી સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવામાં આવશે અને જો અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી હશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.











