સુરત: સુરતની ગાયિકા આરતી સાંગાણીના પ્રેમનો/ લવ મેરેજનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. 29 ડીસેમ્બર 2025ના રોજ, કતારગામ સ્થિત મોટી વેડ વિસ્તારમાં એક લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધની શક્યતાને પગલે આરતી સાંગાણીનો ગીત-સંગીતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

પાટીદાર યુવાનોની દલીલ હતી કે “સમાજની એક દીકરીએ જે રીતે લવમેરેજ કર્યા છે તે કૃત્ય નિંદનીય છે. કદાચ કોઈ ટપોરી છોકરાએ ફોસલાવીને કે મોહિનીકરણ કરીને આ કર્યું હોય. સમાજની બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય તે માટે આ વિરોધ જરૂરી છે.”

થોડાં મુદ્દાઓ :
[1] આરતી સાંગાણીને કોની સાથે લગ્ન કરવા તે તેમની સ્વતંત્રતા છે. તેમાં સમાજ દબાણ ન કરી શકે. શું પાટીદાર છોકરાઓ અન્ય જ્ઞાતિની છોકરીઓને પરણતા નથી? ગુજરાત બહારની આદિવાસી કન્યાઓ સાથે પાટીદાર છોકરાઓ લગ્ન કરતા નથી?

[2] આરતી સાંગાણી સામે કેમ વાંધો છે? તેણે એક વાલ્મિકી સમાજના યુવાન કલાકાર સાથે પ્રેમ કર્યો એટલે જ વાંધો છે ને? જો આરતીએ ચાર વર્ણમાંથી ઉપલા ત્રણ વર્ણના કોઈ છોકરા સાથે લગ્ન કર્યા હોત તો પાટીદાર સમાજ વાંધો ઉઠાવત? વર્ણવ્યવસ્થાના મિથ્યાભિમાનની ખાસિયત એ છે કે પ્રત્યેક જ્ઞાતિને તેમની નીચે બીજી કોઈ જ્ઞાતિને રાખવી છે !

[3] માની લઈએ કે આરતીએ ભૂલ કરી છે, તો તેની એ ભૂલ બદલ તેના કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો? શું સમાજને પેટ પર પાટુ મારવાનો અધિકાર છે?

[4] કોઈ પણ સમાજની દીકરી જ્યારે પોતાના સમાજ સિવાય પ્રેમલગ્ન કરે ત્યારે છોકરો ટપોરી જ લાગે છે ! ફોસલાવીને કે મોહિનીકરણ કરીને છોકરીને વશ કરી લીધી છે, તેમ માનવામાં આવે છે. પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે છોકરો પોતાની જ્ઞાતિ સિવાયની છોકરી સાથે પ્રેમ/ લગ્ન કરે ત્યારે સમાજ કેમ વિરોધ કરતો નથી? છોકરી જ્ઞાતિ બાહ્ય પ્રેમ ન કરી શકે, છોકરો કરી શકે; શું આ પિતૃસત્તાક માનસિકતા નથી?

[5] ‘સમાજની બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય તે માટે આ વિરોધ જરૂરી છે’ શું આવા વિરોધથી છોકરીઓ પ્રેમ કરતી અટકી જશે?

[6] આરતીના કિસ્સામાં, પાટીદાર સમાજે માથું મારવાનું બંધ કરવું જોઈએ. આરતી પુખ્ત છે. પોતાનું સારું નરસું વિચારી શકે છે. તેને તેની જિંદગીનો નિર્ણય લેવા દો. તેને શાંતિથી જીવવા દો. સમાજનું કામ સલાહ આપવા પૂરતું મર્યાદિત હોવું જોઈએ. આરતીનો આર્થિક બહિષ્કાર કોઈપણ રીતે ઉચિત નથી. કેમકે આર્થિક બહિષ્કાર એ Honor killingનો જ એક પ્રકાર છે !

BY: રમેશ સવાણી