નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામે સ્થિત વોલપ્લાસ્ટ કંપનીમાં કામ કરતા વર્કરોને અચાનક નોકરી પરથી બહાર કાઢવાના નિર્ણય સામે ભારે રોષ જોવા મળ્યો છે. કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના કે લેખિત નોટિસ આપ્યા વગર કંપની દ્વારા વર્કરોને છુટા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ નિર્ણયથી આક્રોશિત બનેલા વર્કરોએ કંપની સામે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે. વોલપ્લાસ્ટ કંપનીમાં અનેક વર્કરો છેલ્લા 15થી 17 વર્ષથી વધુ સમયથી સતત અને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા હતા. કેટલાક વર્કરો પોતાની યુવાનીથી જ આ કંપની સાથે જોડાયેલા હોવાથી તેમનું સમગ્ર પરિવાર જીવન આ નોકરી પર આધારિત હતું. અચાનક કોઈ કારણ આપ્યા વગર કામ પરથી દૂર કરવામાં આવતા તેમને ભારે આર્થિક અને માનસિક આઘાત પહોંચ્યો છે.

વર્કરોનો આક્ષેપ છે કે કંપની દ્વારા શ્રમ કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. વર્કરોના જણાવ્યા મુજબ તેમને ન તો કોઈ લેખિત નોટિસ આપવામાં આવી, ન તો કોઈ ચર્ચા કે સમજૂતી કરવામાં આવી. સીધા જ કામ પર આવવાથી રોકી દેવામાં આવ્યા, જેના કારણે અનેક પરિવારો એકાએક બેરોજગાર બન્યા છે. ઘરખર્ચ, બાળકોની ભણતર ફી અને રોજિંદા જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે. ખાસ કરીને લાંબા સમયથી કામ કરતા વર્કરો માટે નવી નોકરી મેળવવી હવે મોટો પડકાર બની રહ્યો છે.

હડતાળ પર બેઠેલા વર્કરોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે અને કોઈ હિંસાનો માર્ગ અપનાવવા માંગતા નથી. જોકે કંપની મેનેજમેન્ટ તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટ જવાબ કે આશ્વાસન ન મળતા વર્કરોમાં અસંતોષ વધતો જઈ રહ્યો છે. આ મામલે સ્થાનિક લોકો તથા શ્રમિક સંગઠનો પણ વર્કરોના સમર્થનમાં આગળ આવ્યા છે અને શ્રમ વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસનને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. હવે આ મુદ્દે કંપની કે પ્રશાસન શું નિર્ણય લે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.