નાનાપોઢાં: ભારત દેશની લોકશાહીને વધુ મજબૂત અને સમાવેશી બનાવવાના હેતુથી ચાલી રહેલા મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ આજરોજ પોતાના પરિવારજનો સાથે SIRનું ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવ્યું. આ પગલું લોકશાહી પ્રત્યેના કર્તવ્ય અને જવાબદારીનું પ્રતીક ગણાવાયું છે.

આ અભિયાન ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં ચલાવવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નવા મતદારોનું નામ ઉમેરવું, ખોટા કે ડુપ્લિકેટ નામો કાઢી નાખવા અને મતદાર યાદીને સંપૂર્ણપણે અદ્યતન બનાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે ધારાસભ્ય જીતુભાઈએ પોતાના પરિવારના સભ્યો સાથે મળીને ફોર્મ ભરીને અન્ય મતદારો માટે પ્રેરણારૂપ ઉદાહરણ રજૂ કર્યું.

DECISION NEWS સાથે વાત કરતાં જીતુભાઈએ જણાવ્યું, ‘આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો અવસર એટલે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન’, મેં અને મારા પરિવારજનોએ આજે આ કર્તવ્ય નિભાવ્યું છે. હું કપરાડા વિધાનસભાના તમામ આદરણીય મતદાર ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે વહેલી તકે તમારું અને તમારા પરિવારજનોનું નામ મતદાર યાદીમાં નોંધાવો, જેથી આવનારા લોકશાહી પર્વ ‘મતદાન મહોત્સવ’માં ગૌરવભેર ભાગ લઈ શકો.” આ અભિયાન હેઠળ નવા મતદારો (ખાસ કરીને ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનો), નવા વિસ્તારમાં રહેવા આવેલા નાગરિકો અને જેમનું નામ ખોટું અથવા ગુમ થયું હોય તેવા લોકો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ છે. ફોર્મ 6,7,8,અને 8A દ્વારા નામ ઉમેરવું, કાઢવું, સુધારો કરવો કે સ્થળાંતર કરવું શક્ય છે. આ અભિયાનની અંતિમ તારીખ 6 ડિસેમ્બર 2025 છે, જે પછી મતદાર યાદીનું અંતિમ પ્રકાશન થશે.

(વધુ માહિતી માટે નજીકના બૂથ લેવલ ઓફિસર (BLO) અથવા voters.eci.gov.in પર પણ મુલાકાત તમે લઇ શકો છો. DECISION NEWS .)