કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારના પીપરોટી ગામના 22 વર્ષીય યુવાન શૈલેષભાઈ ઈન્દ્રભાઈ કાળાતનું ધનોકી પાણીના ધરા કુંડમાં ડૂબી જવાની દુર્ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.

તાલુકા પંચાયત સદસ્ય દેવુ મોકાશી દ્વારા Decision News ને આપેલ માહિતી મુજબ શૈલેષભાઈ મજૂરી અર્થે પારડીના આમળી ગામે ગયા હતા. કામ પૂર્ણ કરીને તેઓ માતાના પિયર મોહનાકાવચાળી ગામે દાદાના ઘરે આવ્યા હતા. ત્યાંથી પોતાના ગામ પીપરોટી જવાની તૈયારી કરી રહ્યા હતા. નાનાભાઈ મીનેશ પેટ્રોલ અને ઓઇલ ભરવા ગયા હતા ત્યારે અચાનક શૈલેષભાઈ કોઈને કાંઈ જાણ કર્યા વગર નીકળી ગયા હતા. આખા વિસ્તારમાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધ દરમિયાન ચીચપાડા ગામના ધનોકી પાણીના ધરા કુંડ પાસે તેમની ચંપલ મળી આવી છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ શૈલેષભાઈએ અહીં ડૂબીને આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. કુંડ 200 ફુટથી વધુ ઊંડું હોવાથી શોધખોળ કાર્યમાં હજુ સુધી સફળતા મળી નથી. પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે શોકનું વાતાવરણ છવાયેલું છે. પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે અને શરીરની શોધ માટેના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં દુઃખની લાગણી વ્યાપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here