ગુજરાતમાં ચોમાંસામમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોના પાકમાં નુકશાન થયું હતું એવા ખેડૂતોને પાક નુકશાની વળતર ચૂકવવા ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. ગુજરાત રાજ્યના લગભગ 123 તાલુકાઓને પાક નુકશાની વળતર ચૂકવવા સરકારે નિર્ણય કર્યો હતો. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનો પણ એમાં સમાવેશ કરાયો હતો, તે છતાં નાંદોદ તાલુકાના સુલતાનપુરા ગામના 50 જેટલા ખેડૂતો નુકશાની વળતર મેળવવા છેલ્લા 1 મહિનાથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વળતર મુદ્દે રજુઆત કરવા નાંદોદ તાલુકાના સુલતાનપુરા ગામના ખેડૂતો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
નર્મદા કલેકટરને રજુઆત કરતા જણાવ્યું કે સુલતાનપુરા ગામ ગરુડેશ્વર તાલુકા વિસ્તારમાં આવેલું છે પણ જ્યારે નાંદોદ તાલુકા માંથી ગરુડેશ્વર તાલુકો અલગ થયો ત્યારે સુલતાનપુરા ગામનો સીમાડો નાંદોદ તાલુકામાં જ રહી ગયો, જેથી રેવન્યુને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં જ થાય છે. 7/12, 8-અ ના ઉતારામા પણ અમારું ગામ નાંદોદ તાલુકામાં બોલે છે, અમને વળતર મળવું જ જોઈએ. ગુજરાતના CM વિજય રૂપાણીને પણ અમે લેખિત ફરિયાદ કરી, CM એ નિરાકરણ લાવવા લેખિત આદેશ કર્યો તો એની પણ અવગણના થઈ રહી છે.
નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારીને અમને એમ કહ્યું કે નાંદોદ ટીડીઓ એપ્રુઅલ આપે તો તમારા ખાતામાં વળતર જમા થાય. નાંદોદ ટીડીઓ અમને એમ કહે છે કે તમે ગરુડેશ્વર તાલુકામાં આવો છો, ગરુડેશ્વર ટીડીઓ કહે છે કે તમારું રેવન્યુ તો નાંદોદ તાલુકામાં બોલે છે. આ ભૂલના કારણે બીજી પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. સરકારી દસ્તાવેજની ભૂલને લીધે અમે છેલ્લા 1 મહિનાથી વળતર મેળવવા સરકારી કચેરીઓના આંટા ફેરા મારી રહ્યા છીએ. જો અમને ન્યાય નહિ મળે તો અમે આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.