વલસાડ: વલસાડ શહેર પોલીસે કર્ણાટકના એક અપંગ વ્યક્તિની ધરપકડ કરી છે, જે 3 મહિના પહેલા વલસાડમાં અબ્રામાની મણીબાગ સોસાયટી બંગલામાંથી કાર અને રૂ. 2.10 લાખની ઘરફોડ ચોરીના કેસમાં આંતરરાજ્ય ગેંગના સભ્ય છે.રેન્જ આઇજી પ્રેમવીર સિંહ તથા વલસાડ એસપી ડો. કરનરાજ વાઘેલાની સૂચના હેઠળ સિટી પોલીસે એક મોટી ગેંગના આરોપીને કર્ણાટકથી પકડયો છે.
Decision New ને મળેલી માહિતી મુજબ 29 એપ્રિલ 2025ના અબ્રામા મણીબાગ સોસાયટીમાં દેવાનંદ લાખાભાઇ છુછળના બંગલામાંથી 10 હજારની ઘડીયાળ અને પાર્કીંગમાંથી સ્કોડા રેપિડ કાર કી. 2 લાખ મળી 2.10 લાખની ઘરફોડ ચોરીની ફરીયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.
પીઆઇ ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પો.સ.ઈ. ડી.એસ.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમ બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ હાઈવે 48ના અલગ અલગ 150થી વધુ કેમેરા તપાસી મહારાષ્ટ્રના એક આરોપીને ઝડપ્યા બાદ તેની પાસેથી વધુ માહિતી મળતાં મંજુનાથ ઉર્ફે માંજા કેલકરે એશ્વરપ્પા કેલકરે રહે. રાનીપેટી, હોસા નગર, શીવામોગ, કર્ણાટકનો વોન્ટેડ અને 60થી વધુ ઘરફોડના ગુનાના આરોપીને વલસાડ સિટી પોલીસે આરોપી દિલ્હીથી કર્ણાટક ખાતે જઈ રહેલો હોવાની માહિતીના આધારે કર્ણાટક પોલીસની મદદથી ધરપકડ કરી હતી.આરોપી પાસેથી 09 તોલા સોનુ તેમજ જયનગર પોલીસ સ્ટેશન દફતરે ચોરીમાં ગયેલી કાર કબજે કરી ટ્રાન્ઝીટ વોરન્ટના આધારે શીવામોગ્ગા (કર્ણાટક) થી વલસાડ ખાતે લાવવામાં આવ્યો છે.











