કોરોના મહામારી ના કારણે શાળા, કોલેજો બંધ છે જેના કારણે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જોકે, એવામાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે. જેમના ઘરમાં સ્માર્ટ ફોન કે ટીવી નથી આવા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે એક પહેલ સાકરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીના ઘરે જઇ અભ્યાસ કરાવવા ઉપરાંત કોરોના વાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું તેની જાગૃતિ ફેલાવી રહ્યાં છે. શિક્ષકોએ શેરી શાળા થકી એક અનોખી પહેલ કરી વિદ્યાર્થીઓ રહેતા હોય તેમના વિસ્તારમાં પહોંચી અભ્યાસથી કોઈ બાળક વંચીત રહી ન જાય તે માટે તેમની શેરીમાં જ અભ્યાસ કરાવી રહ્યા છે.
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી શાળાઓમાં ટીવી, મોબાઈલ, યુટ્યુબ, વર્ચ્યુઅલ કલાસ જેવા ઓનલાઈન માધ્યમો દ્વારા શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે સાકરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો સાકરીયા સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમની શેરીઓમાં પહોંચી અભ્યાસ કરાવી રહ્યા હોવાની સાથે બાળકોને આ શિક્ષણકાર્ય મેળવ્યા બાદ પડતી મુશ્કેલીના નિવારણ માટે અનોખા સ્વૈચ્છિક સમયદાનના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
શેરી શાળા સમય બાદ દરરોજ બે કલાક બાળકોના ઘરે ઘરે જઈ બાળકોને અભ્યાસમાં માર્ગદર્શન આપી શિક્ષણકાર્ય કરાવી રહ્યા છે. આ સાથે ગામના વાલીઓને પણ કોરોના જનજાગૃતિ અંતર્ગત કોવિડ માર્ગદર્શિકા અનુસાર માસ્ક, હાથ ધોવાની પ્રક્રિયા અને સોશિયલ ડિસ્ટન્સની જાણકારી આપી કોરોના વોરીયર્સની કામગીરી સુપેરે બજાવી રહ્યા છે. જિલ્લાના અનેક અંતરિયાળ ગામડાઓમાં ઈન્ટરનેટની સુવિધા ન મળવાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવું અઘરું બન્યું છે. ત્યારે જેની પાસે ઈન્ટરનેટની સુવિધા છે અને તે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે તેમની સામે જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહે છે તેઓને મુશ્કેલી થઈ શકે છે.
અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટની સુવિધા અથવા ટીવી જેવા માધ્યમો ઉપલબ્ધ હોતા નથી. ત્યારે જે વિદ્યાર્થીઓના ઘરે ટીવી પણ ન હોય તેવા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી ન જાય તે હેતુથી શેરી શાળાઓમાં શિક્ષકો શિક્ષણ કાર્ય કરીને શિક્ષક તરીકેનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. બાળકો શેરી શિક્ષણ મેળવીને જાણે શાળામાં અભ્યાસ કરતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. આ ઉત્તમ ઉદાહરણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારની શાળાના શિક્ષકો માટે, આવી પહેલ દરેક સરકારી પ્રાથમિક શાળાઓ કરે જેનાથી જેમના ઘરમાં સ્માર્ટ ફોન કે ટીવી નથી એવા બાળકોનો અભ્યાસ ન બગડે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.