વલસાડ: વાપી રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન GRP પોલીસને પ્લેટફોર્મ નંબર 1 પર VIP વેઇટિંગ રૂમની બાજુમાંથી ત્રણ બાળકો બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. આ બાળકોમાં 7 વર્ષની આદિતી છોટુ, 8 વર્ષનો આદિત છોટુ અને 6 વર્ષનો સિધ્ધાર્થ છોટુનો સમાવેશ થાય છે.
Decision news ને મળતી માહિતી પ્રમાણે પૂછપરછમાં બાળકોએ જણાવ્યું કે તેઓ સેલવાસ વિસ્તારમાં રહે છે. પોલીસે બાળકો સાથે યુક્તિપૂર્વક વાતચીત કરી તેમનું સરનામું જાણવાનો પ્રયાસ કર્યો. પરંતુ બાળકોને ઘરનું ચોક્કસ સરનામું યાદ ન હોવાથી પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.વાપી GRPની ટીમે વલસાડ જિલ્લા, દાદરા નગર હવેલી અને દમણ વિસ્તારમાં બાળકોના ફોટા શેર કરી વાલીઓની શોધખોળ શરૂ કરી છે.
બાળકો વાપી રેલવે સ્ટેશન સુધી કેવી રીતે પહોંચ્યા તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે વાલીઓને અપીલ કરી છે કે તેઓ બાળકોને ઘરનું સરનામું અને પરિવારના કોઈ એક સભ્યનો મોબાઈલ નંબર યાદ કરાવે. જેથી બાળકો ક્યાંય ભૂલા પડે તો સરળતાથી સંપર્ક કરી શકાય.











