કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા અન્ના હજારે આજે એક દિવસના ઉપવાસ પર બેઠા છે. પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ “ભારત બંધ”ની અપીલ કરી છે. અન્ના હજારેનું કહેવું છે કે, સમગ્ર દેશમાં આંદોલન થવું જોઈએ. જેથી સરકાર પર દબાણ વધે અને તે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે.
અન્ના હજારેએ એક પ્રિરેકોર્ડેડ સંદેશમાં કહ્યું છે કે, હું દેશના લોકોને અપીલ કરું છું કે, દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યાં છે, તે આખા દેશમાં થવા જોઈએ. સરકાર પર દબાણ વધે તેવી સ્થિતિ બનાવવાની આવશ્યક્તા છે અને આ માટે ખેડૂતોએ રસ્તા પર ઉતરવું જોઈએ
અન્ના હજારે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધી ગામમાં ઉપવાસ પર બેઠા છે. તેમણે કહ્યું કે, ખેડૂતો માટે રસ્તા પર ઉતરીને પોતાની સમસ્યાનું સમાધાન કરાવવા માટેનો આ યોગ્ય સમય છે. હું પહેલા પણ આ મુદ્દાનું સમર્થન કરી ચૂક્યો છું અને આગળ પર કરતો રહીશ.
અન્નાએ એમ એસ સ્વામીનાથન આયોગની ભલામણો લાગૂ કરવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો છે. જો આમ નહીં કરવામાં આવે, તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, સરકાર માત્ર આશ્વાસન જ આપે છે, પરંતુ ક્યારેય માંગો પૂરી નથી કરતી.