નેપાળ:કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે એક પ્લેન ક્રેશ થઈ ગયું. કાઠમંડુથી પોખરા જઈ રહેલું સૂર્યા એરલાઈન્સનું વિમાન 19 મુસાફરોને લઈને ટેકઓફ કર્યા બાદ જમીન પર પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 18 મુસાફરોએ જીવ ગુમાવ્યો છે.
જુઓ દુર્ઘટનાનો વીડિયો..
જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન રનવે પર ટેકઓફ કર્યા બાદ તરત જ જમીન પર પડી જાય છે અને આગ લાગી જાય છે. સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પ્લેન રનવેના દક્ષિણી છેડેથી ટેકઓફ કરી રહ્યું હતું. અચાનક પ્લેન પલટી ગયું અને ઝટકો લાગીને જમીન પર પટકાયું. જમીન પર પટકાતાની સાથે જ એરક્રાફ્ટમાં આગ લાગી ગઈ અને તે પછી રનવેની પૂર્વ બાજુએ એક ખીણમાં પડી ગયું. દુર્ઘટના બાદ આખા એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા. પોલીસ અને અગ્નિશામક દળ દુર્ઘટના સ્થળે બચાવ કામગીરીમાં લાગેલા છે.
નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી (CAAN) એ પ્લેનમાં સવાર 19 લોકોમાંથી 18 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ તમામ મુસાફરો એરલાઈન્સના સ્ટાફ હતા. વિમાને સવારે 11:11 વાગ્યે ત્રિભુવન એરપોર્ટથી પોખરા માટે ઉડાન ભરી હતી અને એરપોર્ટના પૂર્વ ભાગમાં રનવેથી અમુક અંતરે ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલોટનો જીવ બચી ગયો છે અને તેમને ક્રેશ સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER હતું જેને વર્ષ 2003માં બનાવવામાં આવ્યું હતું. એરલાઈન સ્ટાફ પ્લેનને સમારકામ માટે લઈ જઈ રહ્યો હતો. એરલાઈન્સે કહ્યું છે કે પ્લેન પોખરા જઈ રહ્યું હતું જેથી સમારકામ બાદ તેનું ટેક્નિકલ ઈન્સ્પેક્શન થઈ શકે. પ્લેન રનવે 2 પરથી ટેકઓફ થયું અને રનવે 20 પર ક્રેશ થયું. વિમાન દુર્ઘટના અંગેની પ્રાથમિક માહિતીમાં કહેવામાં આવ્યું છે કે વિમાને ખોટો વળાંક લેતા આ ઘટના બની હતી.