વલસાડ: નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને અસરકારક ન્યાય મળી રહે તે માટે સમયાંતરે જરૂરી પગલાં ભરવામાં આવતા હોય છે અને સુપ્રીમ કોર્ટ સંચાલિત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, રાજયની હાઈકોર્ટ સંચાલિત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતી દ્વારા વિવિધ કોર્ટોમાં તેની અમલવારી કરવામાં આવે છે. નામદાર સુપ્રીમકોર્ટનાં આદેશથી રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સમયાંતરે લોકોને ઝડપી ન્યાય અપાવવા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે.
આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની કેસો, અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપથી અને સંતોષકારક ન્યાય આપવા પ્રયાસ થાય છે. વલસાડ જિલ્લામાં પણ આગામી તા. 13-05-23 નાં રોજ ચેરમેનશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીકટ જજ શ્રી પ્રકાશકુમાર એ. પટેલના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા અદાલત તેમજ તમામ તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ લોક અદાલતમાં લગ્ન વિષયક તકરારનાં કેસો, કૌટુંબિંક તકરારનાં કેસો, ભરણપોષણનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસ, મજુર કાયદાને લગતા કેસ, ગ્રાહક સુરક્ષાને લગતાં કેસો, દિવાની દાવા જેમાં ભાડા, બેન્ક અને વિજળી બીલ તેમજ બેન્કો અને ફાયનાન્સ કંપનીઓનાં પ્રિલીટીગેશન કેસો તથા ટ્રાફિક ચલણનાં વસુલાતનાં કેસો વિગેરેનાં સમાધાન લાયક કેસ લેવામાં આવશે.











