ધરમપુર: ધરમપુર તાલુકાના રાજપુર તલાટ ગામે વર્ષો જૂનું આમલીનું ઝાડ કાપવા બાબતે ઊભા થયેલા વિવાદમાં નિર્દોષ યુવકને ધાકધમકી આપવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. આ ઘટના અંગે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવતા પોલીસે ત્વરિત પગલાં ભરી જવાબદારો સામે અટકાયતી કાર્યવાહી હાથ ધરી છે.
શું હતો સમગ્ર મામલો?
કલ્પેશ પટેલ Decision News ને જણાવે છે કે ગત તા. 8 ઓગસ્ટ 2026 ના રોજ રાજપુર તલાટ ગામે મેઈન રસ્તા પર આવેલું વર્ષો જૂનું આમલીનું ઝાડ અને તેની મોટી ડાળીઓ ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવી હતી. જાહેર રસ્તા પરના વૃક્ષને નુકસાન પહોંચાડાયું હોવાથી ગામમાંથી કોઈ જાગૃત નાગરિક દ્વારા વહીવટી તંત્રને આ અંગે રજૂઆત કે ફરિયાદ કરવામાં આવી હતી.
વહીવટી તંત્રમાં ફરિયાદ થઈ હોવાની જાણ થતાં ગામના માજી સરપંચ દિલીપ પટેલના પુત્ર દાવુ ભાઈ દિલીપ ભાઈ પટેલ, રાહુલ શિવરામ ભાઈ પટેલ, દીક્ષિત ભાઈ દેવીન ભાઈ પટેલ, વિશાલ ભાઈ સહિત ૩૦થી વધુ લોકોના ટોળાએ ગામના જ કેતન ભાઈ સુરેશ ભાઈ પટેલને બોલાવ્યા હતા. “અમારા વિરુદ્ધ તંત્રમાં કેમ ફરિયાદ કરી?” તેમ કહી કેતન ભાઈને ડરાવી-ધમકાવી ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, કેતન ભાઈએ આવી કોઈ જ ફરિયાદ કરી ન હોવાની સ્પષ્ટતા કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક માથાભારે તત્વો પોતાનો ખોફ જાળવી રાખવા અવારનવાર સામાન્ય અને નાના માણસોને આવી રીતે ડરાવતા આવ્યા છે.
આ બાબતે ગંભીરતા દાખવી તા. 11 ઓગસ્ટ 2026 ના રોજ ધરમપુર પી.આઈ. શ્રીને સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને ધરમપુર પોલીસે તાત્કાલિક ધોરણે ધાકધમકી આપનાર અને ગેરકાયદે મંડળી જમાવનાર તમામ શંકાસ્પદો સામે અટકાયતી પગલાં લીધા હતા. ગામમાં શાંતિ જળવાઈ રહે અને પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક આકરી કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.











