વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના સરા ગામ ખાતે આવેલા આદિવાસી સમાજના પરમ આસ્થાના પ્રતીક સમાન તોરણીયા ડુંગર પર તાજેતરમાં એક અનોખી ટ્રેકિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શીતલભાઈ પટેલ દ્વારા ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન)ના ઉચ્ચ અધિકારીઓ અને પ્રવાસીઓને ટ્રેકિંગ કરાવવામાં આવ્યું હતું.
રહસ્યમય ગુફા મંદિરો અને આદિવાસી સંસ્કૃતિની ઝાંખી ટ્રેકિંગ દરમિયાન માર્ગદર્શક શીતલભાઈ પટેલે પ્રવાસીઓને તોરણીયા ડુંગર પર આવેલી રહસ્યમય ગુફાઓ, પ્રાચીન મંદિરો, સ્થાનિક ધાર્મિક માન્યતાઓ તથા આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરાઓ અને સંસ્કૃતિ વિશે વિગતવાર અને રસપ્રદ માહિતી પૂરી પાડી હતી. પ્રવાસીઓએ પ્રકૃતિના ખોળે રહીને આદિવાસી વારસાને ખૂબ નજીકથી નિહાળ્યો હતો.
‘વોકલ ફોર લોકલ’ અને સ્થાનિક રોજગારીને વેગ આ ટ્રેકિંગ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક આદિવાસી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની સાથે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરવાનો હતો. ટ્રેકિંગમાં જોડાયેલા પ્રવાસીઓને સ્થાનિક આદિવાસી પદ્ધતિથી તૈયાર કરાયેલું પૌષ્ટિક અને પરંપરાગત ભોજન પીરસવામાં આવ્યું હતું. આ પહેલ થકી વડાપ્રધાનના “લોકલ ફોર વોકલ” અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રકૃતિ સાહસ અને સાંસ્કૃતિક સફરમાં ટ્રેકિંગ ટીમના સભ્યો તેજસ, સાહિલ અને હર્ષિલ પણ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિ, આસ્થા અને સ્થાનિક ભોજનનો આ ત્રિવેણી સંગમ પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો.











