કપરાડા: કપરાડા તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં વાવર ગામે બનેલી એક દુઃખદ વીજ દુર્ઘટનામાં બે નિર્દોષ મજૂરોના અકાળે અવસાન થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ઘટનાની જાણ થતાં જ આજરોજ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તુરંત મૃતક મજૂરોના ઘરે પહોંચીને પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે શોકગ્રસ્ત પરિવારોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંત્વના પાઠવી હતી. દુઃખની આ આકરી ઘડીમાં સરકાર અને વહીવટી તંત્ર પૂરેપૂરી રીતે પરિવારજનોની સાથે છે તેવી તેમણે ખાતરી આપી હતી.
આ ઉપરાંત, ધારાસભ્યશ્રીએ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સંબંધિત તંત્ર અને અધિકારીઓને નીચે મુજબની કડક સૂચનાઓ આપી હતી: વીજ દુર્ઘટના પાછળના કારણોની યોગ્ય તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી. આ દુર્ઘટનામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને તાત્કાલિક અને ઉત્તમોત્તમ સારવાર મળી રહે તે માટે તબીબી ટીમને જરૂરી આદેશો આપ્યા. અંતમાં, દિવંગત આત્માઓને પરમકૃપાળુ પરમાત્મા પોતાના શ્રીચરણોમાં શાંતિ અર્પે અને શોકાતુર પરિવારોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.











