ધરમપુર: ધરમપુર ખાતે શનિવારે વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત અને અત્યંત ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે યોજાયેલી આદિવાસી સમાજની વિરાટ રેલીમાં પરંપરાગત નૃત્ય અને વાજિંત્રો થકી આદિવાસી સંસ્કૃતિની અનોખી ઝાંખી રજૂ થઈ હતી.

Decision News સ્થળ પર લીધેલી મુલાકાત મુજબ ઉજવણીના ભાગરૂપે ધરમપુરના આસુરા સ્થિત ભગવાન બીરસા મુંડા સર્કલથી નગરના વિવિધ વિસ્તારોમાં એક ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. ઢોલ, નગારા, તુર-થાળી અને ડી.જે.ના તાલ સાથે નીકળેલી આ રેલીમાં લોકો આદિવાસી નૃત્યના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જે સમગ્ર નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉજવણીમાં સ્થાનિક નગરજનો ઉપરાંત ખરીદ-વેચાણ અર્થે આવેલા લોકો પણ આદિવાસી સમાજની પરંપરાગત વેશભૂષા ધારણ કરીને હોંશે હોંશે જોડાયા હતા. તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં જાણે આઝાદીનો જશ્ન મનાવાઈ રહ્યો હોય તેવો ઉત્સાહપૂર્વક માહોલ સર્જાયો હતો.

રેલી બાદ આદિવાસી સમાજ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા આગેવાનો અને લોકોએ પોતાની મૂળ સંસ્કૃતિ અને પર્યાવરણનું જતન કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. સાથે જ, લગ્ન જેવા શુભ પ્રસંગોએ પરંપરાગત આદિવાસી વાજિંત્રો જ વગાડવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.  રેલી અને સભામાં જોડાયેલા તમામ લોકો માટે આદિવાસી સમાજના પરંપરાગત ભોજન એવા ભડકું, પાણીચું તથા આજીલાના પાનની ચટણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેણે આ ઉજવણીને સાંસ્કૃતિક દ્રષ્ટિએ વધુ યાદગાર બનાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here