ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ તરફથી ખેરગામ ગ્રામપંચાયતને 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિતે વિવિધ રસ્તાઓનું નામકરણ દેશના મહાનુભાવોનાં નામ પર કરવા પત્ર લખી માંગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ખેરગામ તાલુકા બન્યાને 8 વર્ષ જેટલો સમય થવા આવેલ છે અને ખેરગામ ગામ વિશાળ વસ્તી ધરાવતું તાલુકાનું મોટામાં મોટુ ગામ છે. હાલમાં મહિલા સરપંચ ઝરણાબેન પટેલ અને તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમાર ખેરગામ ગ્રામપંચાયતની કામગીરી સંભાળી રહેલ છે. આઝાદ ભારત દેશનાં રાષ્ટ્રીય પર્વ એવા 74માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લાનાં પ્રમુખ અને ખેરગામના સામાજિક યુવા ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા ખેરગામ ગ્રામપંચાયતને અનુલક્ષીને એક પત્ર લખીને ખેરગામનાં તમામ માર્ગોનું દેશના મહાનુભાવો મહાત્મા ગાંધી માર્ગ, આંબેડકર માર્ગ, શહીદ ભગતસિંહ માર્ગ, બિરસા મુંડા માર્ગ, તાત્યા મામાં ભીલ માર્ગ વગેરે નામો આપવા માંગ કરી હતી.
આ પ્રસંગે Decision News સાથે વાતચીતમાં ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશ આવતીકાલે 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે દેશ માટે જેમણે પોતાની જિંદગી ખર્ચી નાખી અને શહીદી વહોરી એવા વીરશહીદોનાં નામ પર નામકરણ થાય તો ખેરગામનું નામ રોશન થશે એવી અમારી લાગણી છે કારણકે દેશના અન્ય સ્થળોએ મહાનુભાવોનાં નામ પરથી અનેક રોડના નામકરણ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી ચુક્યા છે,તો ખેરગામ પણ આ બાબતમાંથી બાકાત રહેવુ જોઈએ નહીં.

