ગુજરાત રાજ્યમાં કોરોનાની રિકવરી રેટ ૯૦.૧૭% છે. ત્યારે રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવ તમામ દર્દીઓ સાજા થઈ ગયા છે. ડાંગ જિલ્લામાં કુલ ૧૧૦ પોઝિટિવ કેસો નોંધાયા હતા. હાલ આ તમામ કેસોની ૧૦૦ % રિકવરી થઈ ગઈ છે એવું કહી શકાય. કોરોના વાયરસના કારણે જિલ્લામાં એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.
દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલો આદિવાસી બહુલક ધરાવતો ડાંગ જિલ્લો શનિવારે કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. આ જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ કેસ એક્ટિવ હાલમાં નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૧૦ કોરોના પોઝિટિવનાં કેસો નોંધાયા હતા. જે તમામ દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પહેલાં જ તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નોંધાયું હતું. જેના આરોગ્ય વિભાગ કોરોના મૃત્યુ કેસમાં ગણતું નથી.
ડાંગ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૭,૫૭૪ લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. અત્યારે ૦ રિપોર્ટ પેન્ડિંગમાં છે. હાલમાં ૧૩૫ વ્યક્તિઓને કોરોન્ટાઈન કર્યા છે. જ્યારે ૫૨૧૨ વ્યક્તિએ પોતાના ક્વોરન્ટાઇન પિરિયડ પૂરો કર્યો છે. જિલ્લા રોગચાળા અધિકારી ડી.સી.ગામીતના જણાવ્યા અનુસાર મુખ્ય મથક આહવામાં 5 કન્ટેન્મેન્ટ ઝોન, તે સિવાય કોટબા, ચીચપાડા અને શામગહાન ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે કરીને કામગીરી કરવામાં આવી હતી. જ્યાં કોઈ કેસ દેખાવા પામ્યો નથી.