કેવડીયા: દેશભરમાં અનેક એવા સ્થળો છે ત્યાં પહેલી વાર સ્વાતંત્ર્ય પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે ત્યારે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને સરદાર સરોવર ડેમની ટોપ ઉપર 76માં સ્વાતંત્ર્ય દિવસની પ્રથમવાર ઉજવણી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, સમુદ્ર તળથી 160 મીટરની ઉંચાઈએ સરદાર સરોવર-નર્મદા ડેમ ઉપર આ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ જ્યાં ચેરમેન અને ગુજરાતના નાણાં વિભાગનાં અગ્રસચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમના વહીવટી સંચાલક જે.પી.ગુપ્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યો હતો. જેમાં પ્રવાસીઓ સાથે નર્મદા નિગમના કર્મચારીઓ અઘિકારીઓ અને SOU ઓથોરિટી, CISFના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 ઓક્ટોબર 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ સ્ટેચ્યુ પરિસરમાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો નહોતો, પરંતુ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અને હર ઘર તિરંગાના અભિયાનને લઇને ઘરે ઘરે તિરંગા લગાવવામાં આવ્યા છે, ત્યારે પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આઝાદીના 76માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

