તાપી: ભારત સરકારનું સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત સાહિત્ય અકાદેમી દ્વારા અંતરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ તથા આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર આયોજીત અખિલ ભારતીય આદિવાસી લેખક સમ્મેલન તારીખ 9 અને 10 ઑગસ્ટ એમ બે દિવસ માટે સાહિત્ય અકાદેમી સભાગાર કોલકતા ખાતે યોજાયું હતું. જેમાં આદિવાસી સાહિત્ય ક્ષેત્રમાં ઉમરવાવદૂર ગામના રોશન ચૌધરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.

Decision News સાથે મળેલી માહિતી મુજબ કોલકતા ખાતે સમ્મેલનમાં ભારતભરથી આદિવાસી ભાષાના સર્જકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી તાપી જિલ્લા ડોલવણ તાલુકાના ઉમરવાવદૂર ગામના રહેવાસી યુવા લેખક-સંશોધક રોશન ચૌધરીને આમંત્રણ મળ્યું હતું. પ્રસ્તુત સમ્મેલનના પ્રથમ દિવસના ત્રીજા સેશન- કવિતાપાઠમાં રોશન ચૌધરીએ ચૌધરી ભાષા તથા તેનો હિંદી અનુવાદ સાથે પોતાની કવિતાઓ રજૂ કરી હતી. જેને સભાગૃહમાં ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી. જ્યારે બીજા દિવસે છઠ્ઠું સત્ર- ભારતીય આદિવાસી ભાષાઓનું સંરક્ષણ તથા વિકાસ અંતર્ગત તેમણે વિચાર રજૂ કર્યા હતા.

આઝાદીના અમૃત મહોત્સવ ઉજવણી સાથે અંતરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસના સંદર્ભે આયોજિત આ કાર્યક્રમમાં ભારતની 39 જેટલી આદિવાસી ભાષાઓના સર્જકોએ કવિતાપાઠ, કહાનીપાઠ સાથે ભારતીય આદિવાસી ભાષાઓમાં મહિલા લેખન, ગૈર આદિવાસી ભાષાઓમાં આદિવાસી સ્વર, ભારતીય આદિવાસી ભાષાઓનું સંરક્ષણ તથા વિકાસ જેવા સાહિત્યિક સત્રોમાં સહભાગી રહ્યા હતા. સમ્મેલનમાં સાહિત્ય અકાદેમી દિલ્લીના સચિવ કે. શ્રીનિવાસરાવ, સંયોજક મદન મોહન સોરેન, પદ્મશ્રી દમયંતી બેસરા, ભાષાવિજ્ઞાની પદ્મશ્રી દેવી પ્રસન્ન પટનાયક વગેરે સર્જકહસ્તીઓની ઉપસ્થિતિ રહી હતી. આદિવાસી ભાષા-સાહિત્ય, સંસ્કૃતિ સંરક્ષણ માટે કાર્યરત રોશન ચૌધરી આ સમ્મેલનમાં ભાગ લેનાર ગુજરાતમાંથી એકમાત્ર વ્યક્તિ હતા જે તાપી જિલ્લા માટે ગૌરવપૂર્ણ ઘટના કહી શકાય છે. સાથે આદિવાસી યુવાઓ માટે પ્રેરણારુપ કહી શકાય.

રોશન ચૌધરી આ અગાઉ રાષ્ટ્રીય અનુ,સૂચિત જનજાતિ આયોગ ભારત સરકાર (દિલ્લી) દ્વારા આયોજિત જનજાતીય શિક્ષા સ્થિતિ અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 ‘સંવાદ’માં ભાગ લઈ ચૂક્યા છે. આ ‘સંવાદ’માં સમગ્ર ભારતમાંથી આદિવાસી ક્ષેત્રે કાર્યરત 80 જેટલી વિદ્વતજનો આમંત્રિત હતા. સાથે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બે વખત પુરસ્કાર પ્રાપ્ત ચૂક્યા છે.