ખેરગામ: ગતરોજ ખેરગામ રમેશ સ્ટુડિયોના જાણીતા અને સૌના માનીતા ફોટોગ્રાફર પરિમલ પટેલે વર્ષોથી પોતાની સુંદર અને મનમોહક ફોટોગ્રાફીથી અનેકના સ્થાનિકોના હૃદયમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. તેઓ દરેક ક્ષણને ઝીણવટ અને કુશળતાથી કંડારવામાં માને છે. આ કળાને લીધે અનેકવાર એમનું સન્માન થઇ ચૂક્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ હાલમાં જ વલસાડ જિલ્લા પ્રવાસન વિભાગ દ્વારા વિલ્સન હિલના શ્રેષ્ઠ ફોટોગ્રાફસ સ્પર્ધામાં એમણે ભાગ લઈ વલસાડ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી ખેરગામ પંથકમાં ડંકો વગાડી દીધો છે.વલસાડના જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે 76માં સ્વતંત્ર દિનના જિલ્લા કક્ષાએ વિલ્સન હિલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પરિમલ પટેલને એવોર્ડ અને દસ હજાર રૂપિયાની ધનરાશિ ઇનામ તરીકે આપવામાં આવી હતી.હવે એમનો ફોટો વલસાડ જિલ્લાની પ્રવાસન ખાતાની વેબસાઈટ પર વિલ્સન હિલના કવર ફોટા તરીકે રાખવામાં આવશે.

આ મુદ્દે પરિમલ પટેલ Decision News સાથેની વાતમાં જણાવે છે કે આકાશગંગાના ફોટા પાડવા મારે ઘણી રાતોની રાતો ભટકવી પડી હતી.રાત્રીના સમયે આકાશ સ્વચ્છ અને ચંદ્ર, વાદળો વગરનું હોવું ખુબ જરૂરી છે. જે રાત્રે આ ફોટો પાડ્યો ત્યારે મે આખી રાત શ્રેષ્ઠ ક્ષણની રાહ જોવામાં ત્યાં જ બાકડે બેસી વિતાવી હતી અને અનેક ક્લિક કરી હતી. ત્યારે મને આ સુંદર ફોટો મળ્યો હતો.