IPL 2020ની અત્યાર સુધી 11માંથી આઠ મેચ ગુમાવીને આઈપીએલ પ્લે ઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયેલી ચેન્નાઈ સુપરના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એ કહ્યું છે કે આવતા વર્ષને ધ્યાનમાં રાખતા બાકીની ત્રણેય મેચમાં યુવા ખેલાડીઓની કસોટી લેવામાં આવશે. મુંબઈ ઇન્ડિયન્સ સામે 10 વિકેટથી હાર મળ્યા બાદ ધોનીએ કહ્યુ કે, ‘આ પ્રકારના પ્રદર્શનથી દુઃખ થાય છે. અમારે એ જોવું પડશે કે ભૂલો ક્યાં થાય છે. આ અમારું વર્ષ નથી. તમે ભલે આઠ વિકેટથી હારો કે 10 વિકેટથી, એનાથી કંઈ ફર્ક નથી પડતો પરંતુ જોવાનું એ રહ્યું કે આપણે ટૂર્નામેન્ટમાં આ સમયે ક્યાં છીએ.
ધોનીએ કહ્યું, અમારે બીજી મેચમાં જ જોવાનું હતું કે અમે ક્યાં ખોટા હતા. રાયડૂ ઘાયલ થઈ ગયો અને બાકી બેટ્સમેન પણ પોતાનાં 200 ટકા ન આપી શક્યા. કિસ્મતે પણ અમારો સાથ ન આપ્યો. જે મેચમાં અમે પહેલા બેટિંગ કરવા માંગતા હતા ત્યાં ટૉસ ન જીતી શક્યા. જ્યારે અમે પ્રથમ બેટિંગ કરી ત્યારે ઝાકળ હતી. વધુમાં કહ્યું હતું કે ખરાબ પ્રદર્શન માટે 100 બહાના આપી શકાય છે. પરંતુ અમારે અમારી જાતને પૂછવું પડશે કે શું અમે અમારી ક્ષમતા પ્રમાણે રમત રમ્યા હતા? શું અમે અત્યાર સુધીના અમારા રેકોર્ડ પ્રમાણે રમ્યા છીએ? ના અમે પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થયા.
ધોનીએ કહ્યુ, “આગામી વર્ષે ઘણા બહાના હશે. આગામી ત્રણ મેચમાં યુવા ખેલાડીઓની કસોટી થશે. આગામી વર્ષને ધ્યાનમાં રાખીને જોવામાં આવશે કે કોણ ડેથ ઓવરમાં સારી બોલિંગ કરી શકે છે અને કોણ બેટ્સમેનના દબાણને સહન કરી શકે છે. આગામી ત્રણ મેચમાં યુવા ચહેરાઓને મોકો આપવામાં આવશે.
આપણે જાણીએ છે કે ટેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહની કહેર વરતાવતી બોલિંગ અને તે બાદમાં ઇશાન કિશનની આક્રમક અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે ત્રણ વખતની ચેમ્પિયન સુપર કિંગ્સને ખરાબ રીતે હાર આપી હતી. ટૉસથી લઈને બેટિંગ અને બોલિંગ સુધી કંઈ પણ ચેન્નાઈના પક્ષમાં રહ્યું ન હતું. મુંબઈની આક્રમક બોલિંગ સામે ફરી એક વખત ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. મહેન્દ્રસિંહ ધોનીની ટીમ નવ વિકેટ પર 114 રન બનાવી શકી હતી. આ જીત બાદ મુંબઈ 10 મેચમાં 14માં નંબર પર છે, જ્યારે ચેન્નાઈ 11 મેંચમાં છ અંક સાથે અંતિમ નંબર પર છે.