ડાંગ: હાલના સમયમાં ડાંગ જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ઠેર ઠેર ફૂટી નીકળેલા ગેરકાયદેસર ઈટના ભટ્ટાથી પર્યાવરણની ઘોર ખોદાવા સાથે વન્ય સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થવા પામ્યો છે ત્યારે ડાંગ વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓ જાણે ઠંડીની મસ્ત નીંદરમાં હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ કુદરતી સૌંદર્ય અને વન સંપદાથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવેલા ફળદ્રુપ જમીનોમાં પરપ્રાંતિયો દ્વારા આદિવાસીઓને નજીવી રકમ આપી ગેરકાયદેસર ઇટના ભઠ્ઠા ચલાવી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સુંદા, નડગખાદી, ચીકટિયા, મહાલ, કાલીબેલ, વઘઇ, જંગલ વિસ્તારમાં બેરોકટોક ઇટના ભઠ્ઠાના પગલે પ્રદુષણ વધવા સાથે વન્ય સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ઉભો થવા પામ્યો છે. ડાંગની નદીઓ અંબિકા, પૂર્ણાં, ખાપરીના ફળદ્રુપ વિસ્તારોમાં ગેરકાયદેસર ઇટના ભઠ્ઠાઓમાં જંગલના લાકડાઓનો બેફામ ઉપયોગ કરવામાં આવે છે.

ડાંગ જિલ્લામાં સ્થાનિક લોકોને પોતાની જમીનમાં ઘર બનાવવું હોય ત્યારે વન અને મહેસુલ વિભાગ અવનવા નિયમો બતાવે છે, તેવામાં રિઝર્વ ફોરેસ્ટના ઇક્કો સેન્સિટિવ ઝોન વિસ્તારોમાં ગેરકાયદેસર ઇટના ભઠ્ઠાઓનો રાફડો ફાટ્યો હોય ડાંગ જિલ્લા વહીવટી તંત્ર કેમ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી ? કે પછી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમો તેમને નૈવેધ ચડાવી દીધા બાદ કોઈ નિયમો નડતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરી સ્થાનિક આદિવાસીઓને રેતી ખનન,પથ્થર ખનન, કે ગાયોને ચરયાન કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે ગેરકાયદેસર ઇટના ભઠ્ઠા કોની આશીર્વાદથી ધમધમી રહ્યા છે, તે તપાસનો વિષય બનવા પામ્યો છે. તેવા સંજોગોમાં જિલ્લા કલેકટર અને વન વિભાગ પર્યાવરણને નુકસાન કર્તા ગેરકાયદેસર ઇટના ભઠ્ઠા સંચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી દાખલારૂપ કામગીરી કરે તે ઇચ્છનીય છે.