સુરત : ગઈ રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના ACનું કમ્પ્રેસર ફાટતા બસમાં ભીષણ આગ લાગી જેના કારણે બસમાં અફરાતફરી સર્જાઇ હતી. આ આગમાં સેકન્ડોમાં જ બસને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ ભાવનગરના રતાલ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય પહેલા જ તાનીયા નામની યુવતી સાથે થયા હતા. જે બાદ તેઓ બંને જણા ગોવા હનીમૂન મનાવવા ગયા હતા. તેઓએ સુરતથી ગોવા આવવા જવાની ફ્લાઇટ બુક કરી હતી. ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યા અને બાદમાં સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા ગયા હતા. મંગળવારે રાત્રે તેઓ ગોવાથી સુરત આવ્યા અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પરત જવા માટે નીકળ્યા હતા. લક્ઝરી બસ વરાછાના હીરાબાગ પાસે હતી. ત્યારે અચાનક જ ACના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી અને બસમાં બેસેલા મુસાફરોમાં નાસભાગ મચી ગઇ હતી.
આ ઘટનામાં જે મહિલાનું મોત નીપજયું હતું તે મહિલા અને તેનો પતિ હનીમૂન માટે ફ્લાઇટથી ગોવા ગયા હતા અને પાછા સુરત આવીને રાજધાની ટ્રાવેલ્સમાં ભાવનગર જઇ રહ્યા હતા. ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.

