ગુજરાતમાં ચૂંટણીને તો હજી વાર છે તે પહેલા જ રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ચુકી છે. ભાજપ અને આપ દ્વારા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે તેવા સમયે આપને મોટો ઝટકો લાગ્યો છે. રંગેચંગે આપમાં જોડાયેલા વિજય સુંવાળાએ અચાનક પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.
ગાયક કલાકાર અને ઉત્તર ગુજરાતમાં પોતાની ગાયકીથી મજબુત પકડ ધરાવતા વિજય સુંવાળાની મોટી ફેન ફોલોઇંગ છે. વિજય સુંવાળા રંગેચંગે આપમાં જોડાયો હતો. આપમાં જોડાયા બાદ ગાંધીનગર પાલિકાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરવા ઉપરાંત અનેક ડાયરાઓ પણ કર્યા હતા. જો કે ગાંધીનગરમાં આપને ધારી સફળતા પ્રાપ્ત થઇ નહોતી.
તેવામાં વિજય સુંવાળાએ રાજીનામું ધરી દેતા આપને મોટો ઝટકો લાગ્યો છે. અચાનક જ ગુજરાતનું રાજકારણ પણ ગરમાઇ ગયું છે. અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરમાં પરાજય બાદથી જ વિજય સુંવાળા પાર્ટીમાં નિષ્ક્રિય હતા. લાંબા સમયથી તે આપ સાથે છેડો ફાડે તેવી અટકળો સેવાઇ રહી હતી. આ તમામ અટકળોનો આજે અંત આવ્યો છે. વિજય સુંવાળાએ અધિકારીક રીતે આપ સાથે છેડો ફાડયા છે.











