ડાંગ: સમગ્ર ગુજરાતમાં 2022ની ચુંટણી ને લઈને માહોલ ગરમાયો છે ત્યારે બધા જ પક્ષો પોતાનું પ્રભુત્વને મજબુત કરવામાં લાગ્યા છે ગતરોજ ડાંગ જીલ્લા કોંગ્રેસ પાર્ટી સંગઠનનાં પ્રમુખ તરીકે મોતીલાલભાઈ ચૌધરીની બીજી વખત નિમણુક કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી અનુસાર ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકે બીજી વખત મોતીલાલભાઈ ચૌધરીની નિમણુક કરવામાં આવી છે. મોતીલાલ ચૌધરી કોંગ્રેસ પક્ષનાં પાયાનાં આગેવાન રહ્યા છે. તેમનાં પ્રબળ નેતૃત્વનાં કારણે ફરીવાર ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકે મોતીલાલ ચૌધરીની નિમણુક કરવામાં આવી છે. ગત બે ટર્મથી ડાંગ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે મોતીલાલ કાર્યકરત છે ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 13 જિલ્લામાં સત્તાવાર કોંગ્રેસ પાર્ટી પ્રમુખની જાહેરાત કરતા ડાંગ જિલ્લાનાં ચાલુ પ્રમુખને જ પ્રમુખ પદનો ભાર સોંપવામાં આવ્યો છે. અગાઉ મોતીલાલ ચૌધરીનાં કાર્યકાળમાં ડાંગ કોંગ્રેસ પક્ષનાં મોટા માથાઓ ભાજપ પક્ષમાં જોડાયા હતા.

ડાંગ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો.પરંતુ ડાંગમાં હાલ ભાજપ પક્ષનું જોર ચાલી રહ્યુ છે. આવી વિકટ પરિસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા ફરીવાર ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ તરીકે મોતીલાલ ચૌધરીની નિમણુક કરતા કોંગ્રેસનો આ નિર્ણય આશ્ચર્યજનક છે. ડાંગ જિલ્લામાં કૉંગ્રેસ પક્ષનાં પાર્ટી પ્રમુખ તરીકે મોતીલાલભાઈ ચૌધરીની નિમણુક કરાતા ડાંગનાં કૉંગ્રેસી આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.