સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી સ્થાનિક લોકો જમીન, રોજગારી મુદ્દે વિરોધ નોધાવી રહ્યા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 31 ઓક્ટોબર ના રોજ 2 વર્ષ પૂર્ણ થશે. એ દિવસે PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સફળ બનાવવા તૈયારીઓ કરી રહ્યા છે અને કાર્યક્રમની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે એ જ વિસ્તારના આદિવાસી સમાજે વિવિધ માગણીઓ સાથે આવેદન પત્ર આપ્યું માગણીઓ નહિ સ્વીકારે તો આંદોલન કરીશું
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળમાં આવતા 14 ગામના આદિવાસી આગેવાનોએ ‘કેવડિયા બચાવો આંદોલન સમિતિ’ના નેજા હેઠળ આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ્લ વસાવા, શૈલેષ તડવી સહિત અન્ય આગેવાનોએ દેશનાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતનાં રાજ્યપાલ, મુખ્યમંત્રી તથા નર્મદા જિલ્લા કલેકટર સમક્ષ પોતાની માંગો મૂકી છે. જો 7 દિવસમાં એનું નિરાકરણ નહીં આવે તો ૩૦-૩૧ ઓક્ટોબરે કેવડિયા બંધનું એલાન આપ્યું છે. આ સાથે જ આંદોલનની ચીમકી આપતા ખળભળાટ મચ્યો છે.
જાણો શું છે આદિવાસી સમાજની માંગણીઓ.
૧) સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ ને તત્કાળ હટાવી ૧૪ આદિવાસી ગામ પંચાયતો ના અધિકારો પરત કરો. ભારતીય સંવિધાન ની પાંચમી અનુસુચિ અને પેસા કાનુન મુજબ અહીં ગ્રામસભા ના સ્વતંત્ર નિર્ણય લેવાના અમારાં મૌલિક અધિકાર નો ઉપયોગ જરૂર થશે જ. અમારાં આ વિસ્તાર મા ભારતીય બંધારણ અને આદિવાસી રુઢિપરંપરાઓ મુજબ જે ઠરાવ થશે તે પ્રમાણે નો જ અમે કાર્ય કરવા બંધાયેલા છીએ. ( અમે અમારી Judicial રીતે ચાલીશું, સરકાર અમારાં Judicial અધિકારો નું રક્ષણ કરવા બંધાયેલી છે,આમ લોકતંત્ર મા એકબીજા પ્રત્યે વિશ્વાસ બની રહેશે.)
૨) કોરોના લોકડાઉન ની આડમાં તાર ફેન્સીંગ કરી જે ખેડૂતો ની જમીનો પર સરકારે બિન કાયદેસર કબજો કર્યોં છે તે તમામ જમીનો પર ના દબાણ હટાવી આદિવાસીઓના જીવન ના સહારારુપ જમીનો પરત આપવામાં આવે.
૩) વિયરડેમ મા બિન જરૂરી રીતે પાણી ભરવાથી જે ખેડુતો અને આદિવાસીઓને નુકસાન થયેલ છે તેમને ઉભા પાક નુકસાન જેટલું અનાજ આપવામાં આવે અને જે જમીનો નું ધોવાણ થયું છે તેમાં તત્કાળ માટી પુરી આપવામાં આવે. જે ઘરોને નુકશાન થયું છે તે તમામ ઘરો તત્કાળ જે તે સ્થિતિ ના બનાવી આપવામાં આવે..
૪) અમારાં માટે અમારાં ગામડાઓ જ આદર્શ ગામ છે હાલમાં અમારાં ઘરો જે સ્થિતિ મા છે અમે તેનાથી ખુશ છીએ કેમકે અમો પ્રકૃતિ ના ખોળે રહેવાવાળા લોકો છીએ, ગાય, ભેંસ, બકરી, બળદ, પક્ષીઓ, કુતરા- બિલાડા અમારાં જીવન નો હિસ્સો છે જેથી અમો ને હાલ ગોરા ગામ ખાતે જે નકલી આદર્શ ગામ બનાવી આપવા જે પ્લાન ચાલે છે જે અમોને કદાપિ મંજુર નથી.
૫) ૩૧ ઓકટોબરે જે વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમ રદ્દ કરવામાં આવે. કોરોના મહામારી વચ્ચે આ વિસ્તારમાં સીઆરપીએફના ૧૩૦ જવાનો માંથી ૪૫ પોઝિટિવ કેસ આવ્યાં હતાં, બહાર નોકરીએ જતાં અહીં ના એસ આર પી ના જવાનો કોરોના પોઝિટિવ થઈ ને પાછા અમારાં વિસ્તારમાં આવે છે. હમણાં ૩૧ ઓકટોબર ના કાર્યક્રમ ને લીધે જે અન્ય જિલ્લાઓ કે રાજ્યો માંથી પોલિસ ફોર્સ અને અન્ય ફોર્સ આવી રહી છે જેથી અમારાં વિસ્તારમાં કોરોના વધુ ફેલાઈ જવાનો ડર છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૩૧ ઓકટોબર નો કાર્યક્રમ રદ્દ નહિ કરવામાં આવે તો આ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી જશે જે આદિવાસીઓ માટે ખતરારૂપ છે.
૬) ૧૪ ગામો ની જમીનો પડાવવા હાલ જે નિતી નો ઉપયોગ થઈ રહયો છે જેનાથી અમો સહમત નથી. ગુજરાત સરકાર, નર્મદા જિલ્લા પોલીસ અને સરકારી પ્રશાસન ભારતીય બંધારણ ની ઉપરવટ જઈ અમોને ડરાવી ધમકાવી, બળ પુર્વક અમારી જમીનો પડાવી , અમારાં અને અમારાં અધિકારો ની વાત કરનારા સમાજસેવકો પર ખોટા કેસો કરી અમોને હેરાન પરેશાન કરવાની આવી તમામ બિન કાયદેસર ની પ્રવુતિઓ બંધ કરવામાં આવે.
વધુમાં જણાવ્યું હતું કે અમારી માંગણીઓ નહિ સંતોષવા મા આવે તો અમોને ગાંઘીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. હવે સરકાર શું નિર્ણય કરશે એ જોવું રહ્યું.