ચીખલી: નવસારીના ચીખલી તાલુકામાં આવેલા રેઠવાણીયા ગામે કપચીનું રો-મટિરિયલ આપતી તહુરા ક્રશર પ્લાન્ટ હવે તેનો પ્લાન્ટ મોટો કરતી હોય જેને પરિણામે આજુબાજુના ગામોના લોકોને અસરકર્તા હોય આ પ્લાન્ટને મંજૂરી નહીં આપવા અથવા લોકોના હિત માટે બંધ કરવા કલેક્ટરને અરજી આપી રજૂઆત કરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીમાં રેઠવાણીયા ગામે આવેલ તહુરા ક્રશર પ્લાન્ટ બાબતે ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાના પ્રદેશ મંત્રી પંકજ પટેલની આગેવાનીમાં કલેક્ટરને ગામોના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે રેઠવાણિયામાં બ્લોક નં. 510/10માં તહુરા ક્રશર પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટ ઘણાં સમયથી એકદમ નાના પાયે ચાલતો હતો. ઘણો-ખરો સમયથી બંધ જ રહેતો હતો. જેથી આજુબાજુના ગામલોકોએ ચાલવા દીધો હતો. હાલ આ પ્લાન્ટની ઉંચાઇ વધારી મોટો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ એકમની નજીક જ માનવ વસાહતની અંદર જ પાણી પુરવઠા બોર્ડની ઓવરહેડ પીવાના પાણીની ટાંકી, મંદિર, રેલવે લાઇન તેમજ રબારી ભાઇઓન ઘરો-પશુઓ સહિત આદિવાસી લોકોથી ગામ વસેલું છે. વળી તદન નજીકમાંથી જિલ્લા પંચાયતનો રસ્તો પસાર થાય છે.

વળી આ ક્રશર પ્લાન્ટની નજીકમાં ખેડૂતોની ડાંગર, શેરડીના ખેતર, વાડી (કલમો) ઉપરાંત 200 મીટર તેથી પણ ઓછા અંતરે ગ્રીન હાઉસ તથા નર્સરી આવેલી છે. આદિવાસી લોકો વર્ષોથી અહીં રહે છે, જેમાં ઘણા ઘરોતો ક્રશર પ્લાન્ટથી 200 મીટરની અંદર છે અને 500 મીટરના અંતરમાં અડધું ગામ તેમજ પ્રાથમિક શાળા પણ આવી જાય છે. જેથી પર્યાવરણ બચાવવા અને લોકોના આરોગ્ય સામે ખતરો હોય પરવાનગી નહીં આપવા જણાવ્યું હતું.

Decision News સાથે વાત કરતા BTTS ગુજરાત પ્રદેશ મંત્રી, ગુજરાત પંકજ પટેલ જણાવે છે કે અમારા મનઘડત વાંધાઓ નથી. જેથી આ બાબતે તપાસ કરાવવા માંગતા હોય તો ગ્રામજનો સાથે રાખી કરાવશો તો પારદર્શિતા જળવાશે. મોટાભાગે અહીં આદિવાસી પ્રજા વસે છે. તેમના અને પર્યાવરણના ભોગે નિર્દિષ્ટ થયેલ ગાઈડલાઈનમાં છૂટછાટ નહીં આપવા વિનંતિ છે. ગ્રામજનોને એના મૂળભૂત અધિકાર સ્વચ્છ હવા મેળવવાના અધિકારથી વંચિત નહીં કરવા તથા પથ્થરની રજકણથી થતા કેન્સર જેવા રોગથી બચાવવા વિનંતી છે. ખેડૂતોને ખેતીમાં થતા નુકસાનના ભોગે મંજૂરી નહીં આપવા અથવા બંધ કરાવવા અનુરોધ છે.