ચીખલી: આદિજાતિ વિકાસ, અન્ન, નગારિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા મંત્રીશ્રી નરેશભાઇ પટેલે નવલા નોરતાના ત્રીજા દિવસે ચીખલી તાલુકાના માણેકપોર, ચાસા, મીણકચ્છ, ટાંકલ, બોડવાંક, ચીતાલી તથા ગણદેવી તાલુકાના અંભેટા, નાંદરખા, પાટી, ખેરગામ, વડસાંગળ, દેસાડ, દુવાડા તથા કલવાચ ગામે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા કુલ રૂા. ૧૨ કરોડના ખર્ચે રસ્તાઓ, પુલોના કામોના લોકાર્પણ કર્યું હતું.

Decision Newsને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. કોરોનાકાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રાને થંભવા દીધી નથી. ગુજરાતે કોરોનાકાળમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરીને લોકોની તકલીફ હળવી કરવાના તમામ પ્રયત્નો કર્યા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમે પ્રજાની સમસ્યા અને તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને મદદરૂપ થવાના સેવાભાવ સાથે વિકાસ કામો કરી રહ્યા છીએ. અમારી સરકારે છેવાડા અને નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. અમારી સરકારના દ્વાર પ્રજાજનો માટે હંમેશા ખુલ્લા છે. મંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી તહેવારોમાં ૭૦ લાખ લોકોને ખાંડ તથા તેલ આપવામાં આવશે. લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે. આજે ગુજરાતના તમામ ગામો રોડ કનેક્ટિવિટીથી જોડાયા છે. તે બાબતે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર, પૂર્વમંત્રીશ્રી કરશનભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન, બાંધકામ સમિતિના અધ્યક્ષા શ્રી દિપાબેન, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમિતાબેન પટેલ, અગ્રણી શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી મયંકભાઇ પટેલ, જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.