નિયમ મુજબ કોલેજ દીઠ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા PH.D પાસ ફેકલ્ટી ન હોવાથી GTUએ રાજ્યની 16 MCA (માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન) કોલેજોની 50 ટકા બેઠકો કાપી છે. 16 કોલેજોની મંજૂર થયેલી 1080 બેઠકો માંથી 540 બેઠકો યુનિ. દ્વારા હાલ રીડયુસ કરી દેવામાં આવી છે.
દર વર્ષે પ્રવેશ પ્રક્રિયા પહેલા GTU દ્વારા રાજ્યની તમામ ટેકનિકલ કોલેજોમાં ઈન્સપેકશન કરાવવામા આવે છે અને તેમના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામા આવે છે. GTU દ્વારા તાજેતરમાં MCAની કોલેજોમાં હાથ ધરાયેલ ઈન્સપેકશન અને ડોક્યુમેન્ટ વેરિફેકશન દરમિયાન ઘણી કોલેજોમાં PH.D પાસ ફેકલ્ટી ન હતા અને અન્ય કેટલીક ગેરરીતિઓ હતી.
કાઉન્સિલના નિયમ મુજબ દરેક MCA કોલેજમાં સ્ટુડન્ટ ફેકલ્ટી રેશિયો પ્રમાણે PH.D પાસ થયેલા ફેકલ્ટી હોવા જોઈએ પરંતુ રાજ્યની 16 જેટલી MCA કોલેજોમાં PH.D પાસ થયેલા અધ્યાપકો ન હતા. જેથી GTU દ્વારા પગલા રૂપે 16 કોલેજોની 50 ટકા બેઠકો કાપી નાખવામા આવી છે. MCAમાં હાલ 64 કોલેજો છે અને જેમાં 5300થી વધુ બેઠકો હતી.
યુનિ.દ્વારા નિયમ પ્રમાણે 16 કોલેજોની 50 ટકા બેઠકો કાપતા 540 બેઠકો કપાઈ છે અને જેના લીધે બેઠકો ઘટીને હવે 4813 જેટલી થઈ છે. આ 16 કોલેજોમાં AICTE દ્વારા 1080 બેઠકો મંજૂર કરવામા આવી હતી. જેમાંથી 540 બેઠકો કપાઈ છે. ઘણી કોલેજોમાં 120 બેઠકોમાંથી 50 ટકા પ્રમાણે 60 બેઠકો તો કેટલીક કોલેજોમાં 15 થી 30 બેઠકો કપાઈ છે.
GTU દ્વારા તમામ કોલેજોને બેઠક કાપવાની નોટિસ અપાયા બાદ કમ્લાઈન્સ રીપોર્ટ કોલેજોએ આપવાનો હોવાથી કેટલીક કોલેજોએ જવાબો પણ રજૂ કર્યા છે. જો યુનિ.ને સંતોષકારક લાગે તો ફરીથી બેઠકો વધારી દેવાશે પરંતુ હાલ તો ACPC માં પ્રવેશ માટે 540 બેઠકો કપાયા બાદ 4813 બેઠકો જ છે આ નિર્ણય લેવા પાછલ GTUનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણમાં વધી રહેલો ભ્રષ્ટ્રાચાર અટકાવી શિક્ષણમાં સુધારો લાવવાનો છે એમ સુત્રો પાસેથી જાણવા મળે છે.