આપણા માંથી મોટાભાગના લોકોએ નાયક ફિલ્મ તો જોઇ જ હશે અથવા તો તેના વિશે સાંભળ્યું હશે. જેમાં અનિલ કપૂરને એક દિવસ માટે રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે છે.આ બધું માત્ર ફિલ્મમાં જ શક્ય છે.એવું જ સૌને લાગે છે પણ આપણી આ ધારણા ખોટી પડી છે. ફિનલેન્ડમાં એક 16 વર્ષની કિશોરીને એક દિવસ માટે વડાપ્રધાન બનાવવામાં આવી છે.
જળવાયુ પરિવર્તન અને માનવાધિકાર માટે સક્રિય રીતે અભિયાન ચલાવનાર 16 વર્ષની ‘એવા મુર્તો’ નામની કિશોરી એક દિવસ માટે ફિનલેન્ડની વડાપ્રધાન બનશે. એવા મુર્તોને એક દિવસના વડાપ્રધાન બનવાનો આ અવસર ફિનલેન્ડના વર્તમાન વડાપ્રધાન સના મરીને આપ્યો છે. ફિનલેન્ડમાં લિંગભેદને દૂર કરવા માટે ચાલતા અભિયાનના ભાગરુપે ‘એવા મુર્તો’ને આ અવસર મળ્યો છે. લિંગભેદના અભિયાન અંતર્ગત સના મરીન એક દિવસ માટે પોતાનું પદ છોડશે.
પોતાના એક દિવસના કાર્યકાળ દરમિયાન એવા મુર્તો રાજનેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન વિવિધ ક્ષેત્રમાં મહિલાઓના અધિકાર અને પ્રતિનિધિત્વને લઇને ચર્ચા કરશે. મુર્તો પોતાના સંબોધનમાં જણાવ્યું કે મારી ઇચ્છા છે કે છોકરીઓ દ્વારા ચલાવવામાં આવતા ટેક ઓવર જેવા અભિયાનોની જરુર ના પડવી જોઇએ. હકીકત તો એ છે કે આપણે આખી ધરતી ઉપર ક્યાંય પણ લિંગ સમાનતાને પ્રાપ્ત કરી નથી. આપણે આ ક્ષેત્રમાં ઘણુ સારુ કામ કર્યુ છે, પરંતુ હજુ પણ ઘણું કરવાનું બાકી છે જેના નિર્ણયો આપણે આવનારા સમયમાં ઝડપથી લેવા પડશે.