ટોક્યો ઓલિમ્પિક ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક સહિત રજત અને કાંસ્ય ચંદ્રકની ભેટ આપનાર ખેલાડીઓ સ્વદેશ આવી પહોંચ્યા હતા. ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયન્સ નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્લી એરપોર્ટ ખાતે આવી પહોંચતા ખેલાડીઓનું ઢોલ -નગારાના નાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવી દિલ્લીમાં વિજેતા તમામ ખેલાડીઓને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હોકીમાં દેશને 41 વર્ષ બાદ મેડલ પ્રાપ્ત થયો છે. તો ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાએ જણાવ્યું હતું કે મેં જે મેડલ જિત્યો તે મારો નહીં પરંતુ આખા દેશનો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેક એન્ડ ફીલ્ડમાં નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ 57 કિલો વેઇટમાં રેસલિંગની ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ અને ભારતીય પુરુષ હોકી ટીમ, રેસલિંગની ફ્રી સ્ટાઇલના 65 કિલો વેઇટમાં બજરંગ પૂનિયા, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં લવલિના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના એથ્લીટ્સે કુલ 7 મેડલ જીત્યા છે, જે અત્યાર સુધીના ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી વધુ છે.